પાલમાં પાલિકાના સ્વિમીંગ પુલમાં આધેડનું ભેદી મોત ડૂબી જવાથી મોતની થયાની પીએમમાં શક્યતા વ્યકત
કરાઇ. પાલમાં પાલિકાના સ્વિમીંગ પુલમાં આધેડનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. સ્વિમીંગ કરીને બહાર નીકળ્યા બાદ તબિયત લથડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા બાદ આધેડને મૃત જાહેર કરાયા હતા. જોકે પોસ્ટમોર્ટમમાં આધેડના ફેફસામાંથી પાણી મળી આવતા તેમનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.
બનાવ અંગે અડાજણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. જહાંગીરાબાદ વૈષ્ણોદેવી સ્કાય ખાતે રહેતા આશીષભાઈ અશોકકુમાર ગાંધી(48)પી. આર. ખાટીવાલા સ્કુલમાં નોકરી કરતા હતા. તેઓ છેલ્લા 14 વર્ષથી સ્વિમીંગ કરતા હતા. સોમવારે સાંજે તેઓ પાલ ખાતે આવેલા પાલિકાના સ્વિમીંગ પુલમાં સ્વિમીંગ કરવા માટે ગયા હતા. જ્યાંથી તેમને સ્વિમીંગ કરી બહાર નીકળ્યા બાદ તબિયત લથડતા બેભાન થયા હોવાની કેફીયત સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.