સુરતમાં ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે ત્યારે આમ આદમી પાર્ટીના બે કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. કતારગામ પોલીસ દ્વારા બે કાર્યકરોની ધરપકડ કરાઈ છે. આ બંને કાર્યકરો દ્વારા કતારગામમાં કેજરીવાલના રોડ શો દરમિયાન ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા હતા અને જ્યારે પાલિકાના કર્મચારીઓ તે ડિવાઈડર ફરી બનાવી રહ્યાં હતાં ત્યારે વીડિયો ઉતારી તેઓની કામગીરીમાં ખલેલ પહોંચાડી હતી. આ અંગે ગુનો દાખલ થયા બાદ બે કાર્યકરોની ધરપકડ કરાઈ છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાવાનો હતો. આ અગાઉ રવિવારે રાત્રે કોઈકે કતારગામના ધનમોરા ચાર રસ્તા પાસેનું ડિવાઈડર તોડી નાંખ્યું હતું. આ અંગેની જાણ થતા પાલિકાના કતારગામ ઝોનના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરી હતી. આ અંગે પાલિકાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી.
દરમિયાન બપોરે 12થી 1ના સમયગાળામાં પાલિકાના કર્મચારીઓ ડિવાઈડર ફરી બનાવવાની કામગીરી કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં આમ આદમી પાર્ટીના કેટલાંક કાર્યકરો દોડી ગયા હતા અને પાલિકાના કર્મચારીઓને ડિવાઈડર બનાવતા રોક્યા હતા. તેથી મામલો બિચક્યો હતો. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આપના કાર્યકરોને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આપના કાર્યકરો માન્યા નહોતા. કેજરીવાલની સભા છે અમે ડિવાઈડર નહીં બનાવવા દઈએ તેમ કહી કામ અટકાવ્યું હતું. આ અંગે પાલિકા દ્વારા કતારગામ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાલિકાના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે ડિવાઈડર બનાવવાની કામગીરી કરી હતી. દરમિયાન બપોરે 3 વાગ્યાના અરસામાં આપના કાર્યકરોએ ડિવાઈડર બનાવવાનો સામાન વેરવિખેર કરી દઈ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ કેસમાં પોલીસે આપના બે કાર્યકર પિયુષ ભુપતભાઈ વરસાણી (ઉં. વ. 21, રહે. કમલ એપાર્ટમેન્ટ, અંબિકાનગર સોસાયટી, કતારગામ) અને તુલસી મનુભાઈ લલૈયા (ઉં. વ. 30, રહે સાઈ આસ્થા રેસીડેન્સી, ન્યુ કોસાડ, અમરોલી)ની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાર બાદ આપના રજનીકાંત વાઘાણીએ પાલિકાના કર્મચારીઓની ડિવાઈડર બનાવવાની કામગીરીનો વીડિયો બનાવ્યો હતો. આ અંગે સુરત મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયર હેમંતકુમાર પટેલે ફરિયાદ આપતા કતારગામ પોલીસે પિયુષ વરસાણી અને તુલસી લલૈયાની ધરપકડ કરી છે.