દાહોદ તા.૨૯
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં વાહન સંચાલકો બેફામ બનતા દિન-પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં રવિવારના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ભોજેલા ગામની બે મહિલાઓ સહિત એક બાળકી ગામમાં સસ્તા અનાજની દુકાન ઉપર રાશન લેવા ગયેલા તેવા સમયે એક ટ્રેક્ટર ચાલકે પોતાના કબજાના ટ્રેક્ટરને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઇડમાં બેઠેલી મહિલાઓ સહિત બાળકી ઉપર ટાયરો ચડાવી દેતા બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામેલ હોવાનુ જ્યારે બાળકીને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના લીમ ડુંગરી ફળિયામાં રહેતા કમલીબેન દલસુખભાઈ ડામોર તથા સવિતાબેન લુંજાભાઈ ડામોર તેમજ આઠ વર્ષીય ભત્રીજી દિવ્યાબેન રવિવારના રોજ બપોરના ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં આવેલ સસ્તા અનાજની દુકાન ઉપર રાશન લેવા ગયેલ હતા્અને દુકાન પાસે રસ્તાની સાઇડમાં બેઠેલા હતા.તેવા સમય ટ્રેક્ટર નંબર જીજે - ૨૦ એએચ - ૦૦૩૯ ના ચાલક નરેન્દ્રભાઈ ખેમાભાઈ પટેલનાઓ તેમના કબજાના ટ્રેક્ટરને પુરપાટ અને ગફલાત ભરી રીતે હંકારી લાવી કમલીબેન તથા સવિતાબેન સહિત દિવ્યાબેન ઉપર ટ્રેક્ટરના ટાયરો ચડાવી દીધા હતા.જેમાં કમલીબેનને બંને પગે તથા છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે સવિતાબેન ને બંને પગે સાથળ ઉપર ગંભીર ઇજાઓ પહોંચ પહોંચી હતી અને દિવ્યાબેનને પગે સામાન્ય ઇજાઓ થવા પામી હતી.જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કમલીબેન તથા સવિતાબેનને અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બાબતે ઇજાગ્રસ્ત કમલી બેનના પતિ દલસુખભાઈ પુનાભાઈ ડામોરે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.