શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા ગોદામમાં એટીએસની ટીમે રાતના સમયે દરોડો કરી કાર્યવાહી હાથ ધરી હતી. એટીએસના દરોડામાં મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું હોવાનું પ્રાથમિક તપાસમા સપાટી પર આવ્યું છે. સિંધરોટ પાસે મહિસાગર કાંઠે લીલેરીયા ફાર્મ હાઉસની પાસેના ખેતરમાં શેડ બનાવીને એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાની બાતમી આધારે એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના 8-30 વાગે રેઇડ કરી હતી.

રેઇડ દરમિયાન મોટો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળે છે. અને ચાર પાંચ જણાંની અટકાયત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગોડાઉનમાંથી મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું હતું. કેટલા સમયથી આરોપીઓ આ ગોરખધંધો ચલાવતાં હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. એટીએસ દ્વારા વડોદરામાં રેઇડ કરાઈ તે પહેલાં એસજીએસટી વિભાગની ઈન્વેસ્ટિગેટિવ વિંગ અને એટીએસ દ્વારા અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, અને ગાંધીધામમાં 44 જેટલી પેઢીઓના 64 સ્થળે મંગળવારે વહેલી સવારથી સર્ચ હાથ ધરાયું છે.