ગુજરાત વિધાનસભા સમાન્ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૮/૧૨/૨૦૨૨ના રોજ એસ.એન. ડી.ટી. હાઇસ્કૂલ, પોર ગેઇટ, ખંભાળિયાના બિલ્ડિંગમાં યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે તેમજ મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહિ તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડ્યું છે.

                        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના એસ.એન. ડી. ટી. હાઇસ્કૂલ, પોર ગેઈટ વિસ્તારમાં તા. ૮/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૫: ૦૦ થી ૨૪:૦૦ કલાક સુધીના સમયગાળા માટે મતગણતરી કેન્દ્ર ખાતે ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓની મંડળી/ સભા કોઇએ ભરવી નહિ, બોલાવવી નહિ, સરઘસ કાઢવું નહિ અને એકઠા થવું નહિ. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે ૨૦૦ મીટરની ત્રી વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઇ જઇ શકશે નહિ, કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહિ તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાય તેવી રીતે પ્રદર્શિત કરશે. ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહિ. કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રના મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઇ જશે નહિ કે તેનો ઉપયોગ કરી શકશે નહિ, સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારોને વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ/ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશપાસ આપવામાં આવેલા છે તેવા પત્રકારો મત ગણતરી માટે મુકરર થયેલ બિલ્ડિંગમાં રાખવામાં આવેલ મીડિયા સેન્ટર/ કોમ્યુનીકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મત વિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે, જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઇ રહે તે અતિ આવશ્યક હોય તેથી બિલ્ડિંગમાં કે કમ્પાઉન્ડમાં પાન, મસાલા, ગુટખા અને ધૂમ્રપાન કરી શકાશે નહિ, મતગણતરી કેન્દ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીએ નક્કી કરેલ પાર્કિંગ સ્થળે જ વાહન પાર્ક કરવાનું રહેશે.

                        મુદ્દા નં.૧ની સૂચના સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યો, લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રાને, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી/ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ મંજુરી આપેલ હોય/ અધિકૃત કરેલ વ્યકિતઓને લાગુ પડશે નહિ.

                        જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર ઠરશે.