દહેગામ તાલુકાના સાંપા ગામમાં ચોર આવ્યા...ચોર આવ્યાની બુમરાણ ઉઠતાં ગ્રામજનો દોડતા થઇ ગયા હતા. બાદમાં શંકાસ્પદ ચાર યુવાનોને પકડીને ઝાડ સાથે બાંધી પણ દીધા હતા. જો કે સ્થળ પર પહોંચેલી પોલીસની તપાસમાં દહેગામના ચારેય યુવાનો ભંગાર વીણવા ગામમાં ઘૂસ્યા હોવાનું પ્રકાશમાં આવતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. ત્યારે એક યુવાન પાસેથી ઇંગ્લિશ દારૃનું કવાર્ટર મળી આવતાં રખીયાલ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

દહેગામ તાલુકાના સાંપા ગામમાં લોડીંગ રિક્ષા લઇને ચોર આવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો દોડતા થઇ ગયા હતા. એ દરમ્યાન એક ઘર આગળથી એક યુવાને લોખંડનું તગારૂ ઉઠાવ્યૂ હતું. એજ ઘડીએ ગ્રામજનોએ ચારેયને પકડી લીધા હતા. ગામમાં ચોર પકડાયા હોવાની વાત વહેતી થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. બાદમાં ચારેય યુવાનોને એક ઝાડ સાથે બાંધી દઈ કડકાઈથી પૂછતાંછ કરવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાન પાસેથી ઇંગ્લિશ દારુનું કવાર્ટર મળી આવ્યું હતું. ત્યારે ચારેય જણાં પોતે ચોર નહીં પણ ભંગાર વીણવા વાળા હોવાની કાકલૂદી કરવા લાગ્યા હતા. આ લોકોની વાત ગળે નહીં ઉતરતા રખિયાલ પોલીસ પણ ગામમાં સફાળી દોડી ગઈ હતી. બાદમાં પોલીસે ચારેયની પૂછતાંછ કરતાં દહેગામના ચારેય યુવાનો લોડીંગ રિક્ષા લઈને ગામમાં ભંગાર વીણવા ફરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતાં ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

આ અંગે રખિયાલ પોલીસ મથકના પીએસઆઇ આશાબેન ગામીતે જણાવ્યું હતું કે, ચાર યુવાનો પૈકી એક સગીર છે. જેમની પૂછતાંછ કરતાં તેઓ ભંગાર વીણવા વાળા છે. જો કે તેઓની પાસેથી દારૂની બોટલ મળી આવી હોવાથી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગકાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરાઈ છે.