ગાંધીનગરનાં જિલ્લા પંચાયત સામેના રોડ ઉપર આજે સવારના સમયે દારૂ ભરેલી સ્વીફટ કારના ચાલકે ધડાકાભેર એરફોર્સની સ્કૂલ વાનને ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે સ્કૂલના બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. જ્યારે ચાલક કાર મૂકીને નાસી ગયો. જો કે આ અકસ્માતમાં સ્કૂલના દસ બાળકોનો હેમખેમ બચાવ થયો છે. આ અંગે સેકટર - 7 પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ દેશી વિદેશી દારુ પકડવા માટે દોડધામ કરી રહી છે. એમાંય ચૂંટણી તંત્રની ટીમ પણ ઠેર ઠેર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ કરી રહી છે. તેમ છતાં દારૂની હેરફેર પર અકુંશ મેળવી શકાયો નથી. થોડા દિવસ અગાઉ એક સ્કૂલ વાન ખાનગી બસની ટક્કરથી પલ્ટી ખાઈ ગયાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે આજે વધુ એક સ્કૂલ વાનને ચ રોડ પર અકસ્માત સર્જાયો છે. આજે સવારના સમયે સેકટર - 9 ની એરફોર્સ સ્કૂલના બાળકોને લઈને સ્કૂલ વાન રાબેતા મુજબ ચ રોડ પરથી પસાર થઇ રહી હતી. એ દરમ્યાન જિલ્લા પંચાયત સામેના રોડનાં કટ પાસે પૂરપાટ ઝડપે દારૂની પેટીઓ ભરેલી સ્વીફટ કારના ચાલકે સ્કૂલ વાનને પાછળથી ટક્કર મારી હતી. જેનાં કારણે સ્કૂલ વાનમાં સવાર દસ જેટલાં બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. ત્યારે અકસ્માત થતાં જ કાર મૂકીને ચાલક નાસી ગયો હતો.

આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ તેમજ એરફોર્સનાં કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. જો કે અકસ્માતનાં પગલે બાળકો ગભરાઈ ગયા હતા. જે પૈકીના એક બાળકને નાકની નસકોરી ફૂટી હતી. તે સિવાયના તમામ બાળકોનો હેમખેમ આબાદ બચાવ થયો હતો. તો એકઠી થયેલ લોકોએ કારમાં દારુ ભરેલો જોઈને પોલીસનાં સઘન પેટ્રોલીંગ પર સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ સ્થળ પર પહોંચેલી પોલીસ હદ વિસ્તારને લઈને અસમંજસમાં મુકાઈ હતી. બાદમાં હદ નક્કી થતાં સેકટર - 7 પોલીસે દારૂ ભરેલી કારને ક્રેન બોલાવી પોલીસ મથકે લઈ જઈ તપાસનો દોર શરૂ કર્યો છે.