મહેસાણાના કસબા શોભાસણ રોડ પર 10 વર્ષની બાળકી બાબા મસ્તાન પાર્ક આગળ પાણી પીવા માટે રોડ ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન ગાડી ચાલકે ટક્કર મારી ગાડીનું ટાયર બાળકીના પગ પર ચડાવી દીધું હતું. જેથી બાળકીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામાલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા શહેરમાં રહેતી 10 વર્ષીય દેવી પૂજક પૂનમ પોતાની બહેનપણી સાથે બજારમાં ગઈ હતી. જ્યાં બપોરે કસબ રોડ પર બાબા મસ્તાન પાર્ક આગળ બાળકીને તરસ લાગતા તે રોડ ક્રોસ કરી પાણી પીવા જતી હતી. ત્યારે GJ1HU3079ના ગાડી ચાલકે બાળકીને ટક્કર મારી ગાડીનું ટાયર તેના પગ પર ચડાવી દેતા બાળકીનો પગ કચડાઈ ગયો હતો. તેમજ અકસ્માત સર્જી ગાડી ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. અકસ્માતમાં બાળકીના પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતના પગલે લોકોએ 108 મારફતે મહેસાણા સિવિલમાં બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે પગે ફ્રેકચર થયું હોવાની જાણ કરી હતી. બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી છે. તેમજ ગાડી ચાલક વિરુદ્ધ બાળકીની દાદીએ એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવી છે.