ગાંધીનગર : અમદાવાદનાં સીટીએમ સમ્રાટ નગર ખાતે રહેતાં લફરાંબાજ પતિએ હું વકીલ છું તું મારું કશું બગાડી નહીં શકે એવી શેખી મારીને પત્નીને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપી હદ વટાવી દીધી હતી. ત્યારે સાસુ સસરા અને દિયર પણ ત્રાસ આપતા રહેતાં હોવાથી આખરે કંટાળીને પરિણીતાએ ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ગાંધીનગરના સેકટર - 14 ખાતે હાલમાં પિયરમાં રહેતી પરિણીતાનાં લગ્ન ડિસેમ્બર - 2009 માં અમદાવાદનાં સીટીએમ સમ્રાટ નગર રહેતાં વકીલ સાથે થયાં હતાં. આ લગ્ન જીવનથી પરિણીતાને ત્રણ સંતાનો છે. આ લગ્નના શરૂઆતથી જ પરિણીતાને ખબર પડી ગઈ હતી કે પતિને અન્ય સ્ત્રી સાથે અવૈધ સંબંધો છે. જેનાં કારણે પતિ તેને સારી રાખી રાખતો ન હતો. જો કે સંસાર બગડે નહીં એ માટે ચૂપ રહી હતી.

સાસુ સસરા પિયરમાંથી લઈને ગયેલ દાગીના માંગીને મહેણાંટોણાં માર્યા કરતાં હતાં. જે બાબત પરિણીતા બહુ મન પર લેતી નહીં. આ દરમ્યાન પતિને દેવું થતાં સાસરી વાળા દાગીના વેચી દેવાનું કહેતાં હતાં. પરંતુ પરિણીતાએ ના પાડી તેના ભાઈને વાત કરી હતી. જેનાં પગલે પિયરમાંથી બે લાખ ચેકથી પતિને આપ્યા હતા. ત્યારે થોડાક સમય ઘર સંસાર સારો ચાલ્યો હતો. પરંતુ પતિ ફોન ઉપર સતત વ્યસ્ત રહેતા તેણીએ ખાત્રી કરતાં અન્ય સ્ત્રી સાથે અવૈધ સંબંધોનો ભાંડો ફૂટી ગયો હતો. આ બાબતે ઠપકો આપતાં પતિ બિભત્સ ગાળો બોલી મારઝૂડ કર્યા કરતો હતો. સાસુ સસરા અને દિયર પણ લફરાંબાઝ પતિનું ઉપરાણું લઈ ત્રાસ આપતાં હતાં. આજથી આશરે ચારેક વર્ષ અગાઉ પણ પતિએ પિયર જવા બાબતે પરિણીતાને માર મારી સાળા વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમ છતાં બાળકોનાં ભવિષ્યનું વિચારી પતિ સાથે સમાધાન કરી લીધું હતું. બીજી તરફ છ મહિના અગાઉ પતિ અને દિયર વચ્ચે પૈસા બાબતે ઉગ્ર ઝગડો થયો હતો. એ વખતે પણ સાળાએ દોઢ લાખની મદદ કરી હતી.

આટલું કર્યા પછી પણ પતિના આડાં સંબંધો ચાલુ રહ્યા હતા. જે અંગે સુધરી જવાનું કહેતા પતિ કહેવા લાગેલ કે, ચૂપચાપ હું કહું તેમ કરવાનું હું વકીલ છું તુ મારૂં કંઈ નહિ બગાડી શકે, તેમ કહી ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. તો બીજા દિવસે પણ સાસરિયાં ભેગા મળીને ઝગડો કરવા લાગ્યા હતા.અને પતિ એકદમ ઉશ્કેરાઈ ગળું પકડીને મારઝૂડ કરવા લાગ્યો હતો. જેનાં પગલે પરિણીતા પિયર રહેવા આવી ગઈ હતી. અને આખરે મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.