જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાએ લીલી ઝંડી બતાવી વોકેથોનનો કરાવ્યો પ્રારંભ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે લોકોને જાગૃત કરવા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
જિલ્લામાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને નૈતિક રીતે મતદાન કરી લોકશાહીના આ પાવન અવસરમાં ભાગીદાર થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા આજ રોજ શિવરાજપુર બીચ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાએ લીલી ઝંડી બતાવી વોકેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે લોકોને મતદાન કરી લોકશાહીના આ અવસરમાં ભાગીદાર થવા અને અન્ય લોકોને પણ મતદાન પ્રત્યે જાગૃત કરવા અંગે અપીલ કરી હતી.
આ તકે નોડલ ઓફિસર, એમ.સી.સી. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.આર.પરમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આસ્થા ડાંગર, ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં છાત્રો, નાગરિકો જોડાયા હતા.