ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત આજ રોજ પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે મહીસાગર જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે પોલીસકર્મીઓ,હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી. પોલીસકર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોતાનો કિમતી મત પોસ્ટલ બેલેટ દ્વારા આપ્યો હતો.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાએ મુલાકાત લીધી હતી.અને પોલીસ વડાશ્રી આર પી બારોટ,નાયબ ચૂંટણી અધિકારીશ્રી કુંજલ શાહ ઉપસ્થિત રહ્યા હતા