સુરતના ઇચ્છાપોર ખાતે રહેતા યુવકને અજાણી યુવતીએ ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી હતી. યુવકે રિક્વેસ્ટ સ્વીકારતાં યુવતીએ નગ્ન થઈને વિડીયો કોલ કરતાં યુવક પણ નગ્ન થઈ ગયો હતો. બાદ આ વિડીયો રેકોર્ડ તેના વોટ્સએપ ઉપર મોકલી તેની પાસેથી 1. 57 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ ઇચ્છાપોર પોલીસમાં નોંધાઈ હતી.
ઇચ્છાપોર ગામમાં રહેતા 35 વર્ષીય પ્રદીપ દુબે (નામ બદલ્યું છે) ઇચ્છાપોર ખાતે આવેલી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગત 6 નવેમ્બરે તેમના ફેસબુક ઉપર આરોહી ગુપ્તા નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે એક્સેપ્ટ કરીને તેની સાથે મેસેન્જર પર વાત કરી હતી. યુવતીએ તેનો મોબાઈલ નંબર આપી વોટ્સએપ વિડીયો કોલ કરવા કહ્યું હતું. બાદ રાત્રે યુવતીએ વિડીયો કોલ કરી પોતે નગ્ન થઈ ગઈ હતી. અને પ્રદીપને પણ કપડાં કાઢવાનું કહેતાં તે પણ નગ્ન થયો હતો. યુવતીએ ફોન કટ કરી નાંખ્યો હતો. પ્રદીપે પરત ફોન કરવા પ્રયાસ કર્યો પણ ફોન બંધ હતો.
બાદ બે દિવસ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે દિલ્લી ક્રાઈમ બ્રાંચમાંથી રોહિત બોલું છું એવું કહી તમારો યુવતી સાથે ખરાબ નગ્ન વિડીયો આવ્યો હોવાનું જણાવ્યું હતું. અને આ વિડીયો ડિલીટ કરવાનો ચાર્જ આપવો પડશે તેમ કહી આ યુવતી સાથેનો નગ્ન ફોટાવાળા ત્રણ વિડીયો મોકલ્યા હતા. આ જોઈ ગભરાઈને પ્રદીપે વિડીયો ડિલીટ કરવાના 31500 રૂપિયા આઈડીએફસી બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બીજી વખત 63 હજાર મળી કુલ 1. 57 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારપછી પણ ધમકી આપતાં પ્રદીપે અંતે પોલીસમાં અરજી કરતાં ઇચ્છાપોર પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.