સુરતના સલાબતપુરા પોલીસ પેટ્રોલીંગમા હતી ત્યારે એક વ્યક્તિ પીએસઆઈનો યુનિફોર્મ પહેરી મોપેડ ઉપર બેઠો હતો. પોલીસને શંકા જતા તેની પુછપરછ કરતા આ નકલી પીએસઆઈ હોવાનું સામે આવ્યું હતું. અસલી પોલીસે નકલી પોલીસને પકડી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માનદરવાજા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ માનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઇ લાખાભાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે ફરતા ફરતા સોમોલાઇ હનુમાન મંદીર પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ મોપેડ (જીજે-05-ઇએક્સ-5677) ઉપર પોલીસનો પી. એસ. આઇ. નો યુનીફોર્મ પહેરીને બેસેલો હતો. આ વ્યક્તિ પર શંકા જતા તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો નહોતો. જેથી સલાબતપુરા પોલીસ ઇન્સપેક્ટર બી. આર. રબારીને જાણ કરાઈ હતી. અને પીએસઆઈ એમ. એન. કાતરીયાને બોલાવી પુછપરછ કરતા તેને પોતાનું નામ નિરલ અશ્ર્વીનભાઇ રાઠોડ (ઉ. વ. ૨૪, રહે. આહીરવાસ પોપડાગામ તા. ચોર્યાસી જી. સુરત) હોવાનું જણાવ્યું હતું. પોતાને પોલીસ બનવાનો શોખ હોવાથી દુકાનમાંથી યુનીફોર્મ લઇ લોકોમાં રોફ જમાવવા માટે પહેરીને ફરતો હતો. છેલ્લા દોઢ મહિનાથી તે ઘરેથી આ રીતે યુનિફોર્મ પહેરીને નીકળતો હતો. અને ઘરે પોતે પોલીસમાં ભરતી થઈ ગયો હોવાનું કહીને અત્યારે તેની ટ્રેનીંગ ચાલતી હોવાનું કહેતો હતો. સલાબતપુરા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.