છોટાઉદેપુર ખાતે અવસર
લોકશાહીનો અંતર્ગત મતદાન જાગૃતિ અંગે રેલી યોજાઇ
છોટાઉદેપુર: તા. ૨૪:
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલી શ્રી. એસ.એફ હાઇસ્કૂલ ખાતેથી અવસર લોકશાહીનો અંતર્ગત મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરાએ લીલ ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના રોજ થનારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકાના મતદાન દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ઠ ત્રણ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાવાનું છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠકો માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી. ક્રિષ્નાબેન પાચાણી અને તેમની ટીમ દ્વાર મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઇસ્કૂલથી મતદાન જાગૃતિ અંગે બાઇક રેલીનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. એસ.એફ.હાઇસ્કૂલથી શરૂ કરવામાં આવેલી આ રેલી છોટાઉદેપુર નગરના તમામ મુખ્ય માર્ગો પર ફરી પરત એસ.એફ હાઇસ્કૂલ ખાતે આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે અવસર લોકશાહીનો અંતર્ગત મતદારોને જાગૃત અને સુશિક્ષિત કરવા માટે સુવ્યવસ્થિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ મતદાર જાગૃતિ અભિયાન વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
એસ.એફ.હાઇસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક સેલ્ફી પોઇન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે. જયાં મતદારો મતદાન કરવાનું પ્રણ લઇ સેલ્ફી પણ ખેંચે છે.
રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, એસ.એફ હાઇસ્કૂલનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, નગરજનો અને વહીવટીતંત્ર અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.
-----૦-----