મહેસાણાના કુકસ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા અને તાજેતરમાં જ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી ફરજ પર મુકાયેલા યુવકનું પોતાના ઘરે હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક દિવસો પૂર્વે કુકસ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા 42 વર્ષીય અનિલ વેકરિયા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મહેતા ખંભાળિયા ગામના વતની હતા.

તેમને મહેસાણા વિધાનસભાની ચૂંટણીમાં કંટ્રોલ રૂમમાં ચૂંટણીની ફરજ સોંપાઈ હતી. બુધવારના રોજ સવારે 6 થી બપોરે 2 કલાક સુધીની તેમની ફરજ હોય ઘરેથી તૈયાર થઈને ડ્યુટી પર નીકળતા હતા. તે સમયે અચાનક જ તેમને હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું હતું. પરિવારજનો હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કર્મચારીના આકસ્મિક મોતને પગલે મહેસાણા મામલતદાર અને પ્રાંત સહિતના સરકારી કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.