ખંભાત શહેર ના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સોમવારે રાત્રિના સુમારે પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો કરી ચુનારા સમાજના શખ્સ ઉપર છરીથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો.આ અંગે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતીનુસાર, ખંભાતના સાજણભાઈ પુનમભાઈ ચુનારા સોમવાર રાત્રિના સુમારે પોતાના મામાના દીકરા સહિત અન્ય વ્યક્તિઓ સાથે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ એક ખાણી-પીણાની લારી નજીક ઉભા હતા.દરમિયાન પાર્થ વિજયભાઈ રાવળ, સુજલ અનિલભાઈ રાવળ, દેવાનંદ ઉર્ફે વિજયભાઈ રાવળ, વિરેન પંચમભાઈ કુશવાહ ત્યાં આવી ચડ્યા હતા.જ્યાં પાર્થ રાવળે ચિરાગ પાસે આવીને તું દિવાળી ઉપર મારી દુકાનેથી કપડાં લઈ ગયો હતો.તેના બાકીના નાણાં કેમ આપતો નથી.તેમ જણાવતા ચિરાગે હાલમાં મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. પૈસા આવશે એટલે આપી દઇશ તેમ કહેતા ઝઘડો થયો હતો.દરમિયાન સાજણભાઈ આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા ઉશ્કેરાઇ ગયેલા પાર્થ રાવળે પોતાની પાસેથી છરી કાઢી સાજણ ચુનારાના છાતીના તથા હાથના ભાગે મારી દેતા તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા.અન્ય ત્રણ શખ્સોએ પણ તેઓને ગડદાપાટુનો માર માર્યો હતો.અંતે હાજર વ્યક્તિઓએ સાજણને છોડાવ્યો હતો.બાદમાં ગંભીર રીતે ઘવાયેલા સાજણને તુરંત જ સારવાર અર્થે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.ખંભાત શહેર પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)