ગીર સોમનાથ જિલ્લામાં યોજાયા દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ

----------

દિવ્યાંગજનોને મતદાન સમયે મળતી વિવિધ સેવાઓ વિશે અપાઈ વિસ્તૃત માહિતી

----------

ગીર સોમનાથ, તા.૨૨: ગીર સોમનાથ જિલ્લાના ૯૦-સોમનાથ,૯૧-તાલાળા,૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતવિસ્તારમાં સમવિષ્ટ વિવિધ સ્થળોએ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ તો મતદાન મથક ખાતે દિવ્યાંગ મતદારોને મતદાન સમયે મળતી વિવિધ સેવાઓની માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત પર્સન વિથ ડિસએબિલિટીના નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી સૈયદ વસીમ અને ટીમ દ્વારા Pwd એપ્લિકેશન ડાઉનલોડ કરાવી માહિતી આપી અને ઉપયોગ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. જિલ્લાના કોઈપણ દિવ્યાંગજન મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે મતદાન અંગેની વિવિધ સેવાઓ વિશે માહિતગાર કર્યા હતાં.

            અત્યાર સુધીમાં ઉનામાં અંધ અપંગ સહકાર કેન્દ્ર, કોડીનારમાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, નવદુર્ગા મંદિર સુત્રાપાડા, વરાહ મંદિર કદવાર, ડારી ગ્રામ પંચાયત, ગરબી ચોક તાતીવેલા, પંચાયત ચોક ઘૂંસિયા, હેલ્થ ઓફિસ સેમરવાવ જેવા જિલ્લાના વિવિધ સ્થળોએ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં દિવ્યાંગજનોને અનુલક્ષી અપાતી વિવિધ સેવાઓની માહિતી આપવામાં આવી હતી.