કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નારોલા ગામે મહિલા ઉપર ગામના યુવકે હુમલો કરાતાં કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નારોલા ગામના મોટાવાસમાં તાપણી કરી રહેલા યુવકો પાસે જઈને નારોલા ગામની જ અને મોટાવાસમાં રહેતી મહિલાએ જઈને કહ્યું કે, મારા દીકરાને રાત્રી દરમિયાન લઈ જવાનો નહીં. આ બાબતે ઝઘડો થતા મહિલા ઉપર ગામના યુવકે હુમલો કર્યો હતો. મહિલાને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

કડી તાલુકાના નારોલા મોટાવાસમાં રહેતા કૈલાસ ઠાકોર કે જેઓના પતિ ખેત મજૂરી કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેમના જ ગામનો યુવક પ્રતિક ઠાકોરે કૈલાસના પુત્રને રાત્રે મજૂરી કામ માટે લઈ જતો હતો. નારોલા ગામના મોટાવાસમાં રહેતા કૈલાસ ઠાકોરના ઘરની થોડીક દૂર ગામના જ કેટલાક યુવકો તાપણું કરી રહ્યા હતા. રાત્રિ દરમિયાન આ મહિલા અને તેમના સાસુ ત્યાં ગયા અને પ્રતીક એ વખતે હાજર હતો. આ સમયે કૈલાસે પ્રતીકને તેના દીકરાને તેની સાથે રાત્રે મજૂરી કામ કરવા લઈ જવાની ના પાડી હતી. જેથી પ્રતીક ઉશ્કેરાયો હતો અને ગાળા ગાળી કરવા લાગ્યો હતો.

આ મહિલાએ જ્યારે કહ્યું કે, તું ગાળા ગાળી કેમ કરે છે? આ સાંભળતા જ યુવકે નજીકમાં પડેલ ઈંટનું રોડું લઈને કૈલાસને મારવા જતા તે ખસી ગયા હતા અને તેમના સાસુને માથાના ભાગે વાગી ગયું હતું. આ ઝઘડો ઉગ્ર બનતા પ્રતીક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જ્યાં કૈલાસના સાસુને વાગતા તેઓને માથાના ભાગે લોહી નીકળતા બુમાબુમ કરવા લાગ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. વધુ ઇજાઓ પહોંચતા તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. નંદાસણ પોલીસે પ્રતીક ઠાકોર નામના યુવક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.