ભારત દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થયાના રૂડાં અવસરે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ’’ અને 'હર ઘર તિરંગા' ઝૂંબેશ અંતર્ગત ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની ઉપસ્થિતીમાં જિલ્લા શિક્ષણ કચેરી અને ખેડા જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે ‘ભારત માતા પૂજન’ અને સંસ્કૃત વિષયને પ્રોત્સાહિત કરવાના હેતુસર જિલ્લા કક્ષાનો ‘સંસ્કૃત સપ્તાહ’ કાર્યક્રમ શ્રી સલુણ સાર્વજનિક હાઇસ્કૂલના પ્રાંગણમાં યોજવામાં આવ્યો.

'જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયાસી' ના ઉદઘોષ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી મેહુલભાઈ દવેએ સંસ્કૃતભાષા, સંસ્કાર અને સંસ્કૃતિના મહત્વની અનેક મૂલ્યવાન વાતો કરી હતી. સંસ્કૃતિનું મહત્વ સમજાવતા તેમણે તમામ લોકોને ભારતની ભૂમિ સાથેની આત્મીયતાનું પુન: સ્થાપન કરવાની અપીલ કરી હતી. તેમણે ભારતના અનેક મહાપુરુષો, શ્રીકૃષ્ણ, શ્રી રામ, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીને યાદ કરતા ભારતભૂમિના પરાક્રમોની વાત કરી અને ‘વયમ અમૃત્સય પુત્રા' નો નાદ કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જીવન, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો.

 મેહુલભાઈએ ઉમેર્યું હતું કે ભારતમાં જન્મ લેવો એ ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે કોઈ મા કે બાળક ક્યારેય સામાન્ય હોતા નથી. આજના સમયમાં વધતા જતા સ્વાર્થ અને આત્મકેન્દ્રિત વૃત્તિઓને લઈને ચિંતા બતાવતા શ્રી દવેએ જણાવ્યું હતું કે આપણે તમામ લોકોએ પાશવી વૃત્તિથી ઉપર ઊઠવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઉચ્ચ આદર્શની સ્થાપના માટે દરેક વ્યક્તિએ પોતાના તમામ કામમાં રાષ્ટ્ર અને માતૃભૂમિને પ્રાથમિકતા આપવી પડશે. આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં તેમણે શિક્ષકોની ભૂમિકા મહત્વની ગણાવી હતી. બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને રાષ્ટ્ર સેવાનો ભાવ નિર્માણ કરવા સતત પ્રયત્નશીલ રહેવા તેમણે તમામ શિક્ષકોને અપીલ કરી હતી. તેમણે શિક્ષણને પુસ્તકો પૂરતું સિમિત ન રાખતા વ્યકિતનિર્માણમાં સાકાર કરવા ઉપર ભાર મૂક્યો હતો. 

જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલે આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોના માનવીય જીવનમાં રહેલા મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે રામાયણ અને ગીતામાં શ્રી રામ અને શ્રી કૃષ્ણના જીવન સંદેશને વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ધર્મ, અર્થ, કામ અને મોક્ષના વિચારને જીવનમાં ઉતારી વ્યક્તિસમજ અને સામાજિક ઉત્કર્ષની વાત તેમણે કરી હતી. જો પ્રત્યેક વ્યક્તિ મહાત્મા ગાંધીજી અને બુદ્ધ ભગવાનના જીવન કવન અને શાંતિના સંદેશને અનુસરે તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન સરળ રીતે આવી જશે અને આ માટે તેમણે સ્વયં પોતાના પથદર્શક બનવાની હાકલ કરી હતી.

ડેપ્યુટી ડી. ઇ.ઓ રણજીતસિંહ ડાભીએ પ્રાસંગિક ઉદબોધન આપતા શિક્ષણ થકી સંસ્કૃતિ નિર્માણ કરવા માટે આ પ્રકારના બહુઆયામી કાર્યક્રમો કરવા માટે સર્વનો આભાર અને અભિનંદન આપ્યા હતા. સલુણ સ્કૂલના આચાર્ય પ્રકાશચંદ્ર ભટ્ટ દ્વારા શાબ્દિક સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવોનું તિરંગાના ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી સલુણ કેળવણી મંડળ પ્રમુખ સૌરભભાઈ પટેલ, શ્રી સલુણ શિક્ષણ મકાન મંડળ પ્રમુખશ્રી ગોવિંદભાઈ શાહ, સલુણ કેળવણી મંડળ મંત્રી અશોકભાઈ પટેલ, ગુજરાત પ્રાંત અધ્યક્ષ સંસ્કૃત ભારતી, નીરોલા ગુરુજી, સલુણ શાળાના શિક્ષકો, અન્ય કર્મચારીઓ, ગામ આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઊપસ્થિત રહ્યા હતા.