લમ્પી વાયરસ સામે અડીખમ ગુજરાત

અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી

રાજ્યના 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવી

રાજય સરકાર દ્વા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૯૬૨ શરૂ કરવામાં આવ્યો, આ નંબર પર ૮ દિવસમાં ૧૫,૫૮૩ કોલ આવ્યા

અમરેલી તા.૪ ઓગસ્ટ, ૨૦૨૨ (ગુરુવાર) હજુ કોરોનાના કેરને શાંત કરી શકીએ ત્યાં સુધીમાં તો રાજ્યમાં પશુઓ ઉપર મોટી આફત આવી પડી છે. રાજ્યમાં લમ્પી વાયરસ હાલ એક્ટીવ છે ત્યારે આ વાયરસ રાજ્યના પશુઓને અસર કરી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના ૧૭ જિલ્લાઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા છે અને આ ૧૭ જિલ્લામાં હાલ પશુપાલન વિભાગ ખડેપગે પશુઓની સારવારમાં દોડી રહ્યું છે. રાજ્ય સરકાર પણ આ મુદ્દે સતત બેઠકો કરી રહી છે અને ત્વરિત એક્શન લઇ રહી છે. આ અંગે હાલ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓના મેળાવડા, પશુઓની લે વેચ, રમતો વગેરે જેવી ગતિવિધિઓ સંપૂર્ણપણે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

      લમ્પી વાયરસથી અસરગ્રસ્ત જિલ્લાઓની વાત કરીએ તો રાજ્યના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં આજે લમ્પી વાયરસના સ્કીન ડીસીઝ જોવા મળ્યા છે અને તેની સામે યોગ્ય આરોગ્ય સબંધિત સારવારો તેમજ રસીકરણ થઇ રહ્યું છે. રાજ્યના આ 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને સતત ખડેપગે ત્યાં ઉભા રહીને યોગ્ય ધ્યાન અપાઈ રહ્યું છે. 

     પશુઓના આંકડાઓની વાત કરીએ તો કુલ 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા આ અસરગ્રસ્ત પશુઓની ત્વરિત સારવાર ચાલુ કરવામાં આવી છે જેમાં અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે જે ખુબજ સરાહનીય કામ છે. પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી તૈનાત કરવામાં આવ્યા છે.

      રાજ્યના બીજા નિરોગી પશુઓમાં આ રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. થી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જીલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી સંદર્ભે રાજયના મુખ્ય સચિવ દ્વારા પણ સમીક્ષા કરવામાં આવી છે અને સઘન આરોગ્ય કાર્યની વિગતો પ્રમાણે આગળ ટીમો કાર્યરત છે.

     પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે જે અંતર્ગત હેલ્પલાઈન નંબર 1962 કાર્યરત કરવામાં આવ્યો છે. છેલ્લા ૮ દિવસમાં 15,583 કોલ આવ્યા છે એટલે કે દરરોજ લમ્પી વાયરસ સ્કીન ડીસીઝ માટેના ૧૯૪૮ જેટલા ફોન કોલ આવે છે અને પશુ ચિકિત્સાની ટીમ દ્વારા આ પશુઓની તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ ઉત્તમ કામગીરી થકી આપણું ગુજરાત ખુબજ વહેલી તકે આ લમ્પી વાયરસને હાંકી કાઢશે એવી આશાઓ દેખાઈ રહી છે.

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી