લિંબાયત નિલગીરી પાસે રવિવારે આપના સભા સ્થળ નજીક પહોંચી ભાજપના કાર્યકરોએ ડીજી વગાડતા આપ અને ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા આ સુત્રોચ્ચાર દરમિયાન લિંબાયત પીઆઈએ પક્ષપાત કરી આપની સભા અટકાવી હોવાના આક્ષેપ સાથે આપના ઉમેદવાર દ્વારા ઓબ્ઝર્વરને પીઆઈ વિરૂદ્ધ ફરીયાદ કરવામાં આવી છે.

લિંબાયતમાં આપના ઉમેદવાર પંકજ તાયડેની સભા શરૂ થવાના સમયે જ ભાજપના કાર્યકરોની ડોર ટુ ડોર યાત્રા ડીજે સાથે ત્યાં પહોંચી હતી. જેથી આપ અને ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા દરમિયાન ત્યાં હાજર લિંબાયત પીઆઇ એચ. બી. ઝાલાએ આપની સભા અટકાવી હતી અને ભાજપના કાર્યકરો પસાર થયા બાદ સભા શરૂ કરાવી હતી. જેથી આપના ઉમેદવાર દ્વારા પીઆઈ ઝાલા સામે બન્ને પક્ષ વચ્ચે પક્ષપાતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીઆઈ ઝાલા દ્વારા ચાલુ સભા અટકાવીને ભાજપના કાર્યકરોનો પક્ષ લઈ ભેદભાવ ભર્યું વલણ દાખવવામાં આવ્યું હોવાની ઓબ્ઝર્વરને લેખીતમાં ફરીયાદ કરવામાં આવી છે.

‘બંને પક્ષ સાથે સરખું વલણ રખાયું હતું્’

પોલીસ ઈન્સપેક્ટર એચ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે આમઆદમી પાર્ટીની સભાની પરમીશન હતી અને બીજેપીની ડોર ટુ ડોરની પરમીશન હતી. સભા સ્થળ નજીક બન્ને પક્ષના કાર્યકરો સામ સામે ભેગા થયા બાદ સુત્રોચ્ચાર શરૂ થયો હતો. જેથી કોઈ ઘર્ષણ ન થાય અને અનિચ્છનિય બનાવ ન બને તે માટે બન્ને પક્ષો સાથે એક સરખુ વલણ રાખવામાં આવ્યું હતું. સભા શરૂ થઈ ન હોવાથી થોડો સમય માટે સભા અટકાવી ભાજપના કાર્યકરોને રવાના કર્યા બાદ સભા શરૂ કરાવી હતી.