સોમવારે ફોર્મ પરત ખેંચાયા બાદ બહુચરાજી બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. હવે મેદાનમાં 10 ઉમેદવારો રહ્યા છે. જોકે, મુખ્ય જંગ BJP, Congress, AAP અને અપક્ષ ભાવેશ પટેલ વચ્ચે જામશે તેમ લાગી રહ્યું છે. આ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ પ્રબળ દાવેદાર મનાતા પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રજની પટેલને બદલે સુખાજી ઠાકોરને ટિકિટ આપી છે. આ સંજોગોમાં પાટીદાર રાજકીય આગેવાનો આ વખતે નીરસ જણાય છે. ભાજપના જ કાર્યકરો આડકતરી રીતે કોંગ્રેસનો પ્રચાર કરતા લાગી રહ્યા છે. જ્યારે સામે પણ અસંતોષ દેખાય છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ભરતજી ઠાકોરને બદલે અમરતજી (ભોપાજી) ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા.
આ બેઠકમાં સામાજિક સમીકરણો જોતાં ક્ષત્રિય-ઠાકોરના 80 હજારથી વધુ મત છે. 60 હજારથી વધુ પાટીદારો છે. ત્યારે મતદારોની વિડંબણા એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઠાકોર સમાજના આગેવાનોને ટિકિટ આપી હોઈ બંનેમાંથી કોની પસંદગી કરવી. આમઆદમી પાર્ટીએ સાગર રબારીને મેદાનમાં ઉતાર્યા છે. કોઈ રાજકીય ભૂતકાળ ન હોવા છતાં જીત હાંસલ કરવા લોભામણી જાહેરાતો સાથે પ્રચાર કરી રહ્યા છે. આ સાથે અન્ય પક્ષો અને અપક્ષો પણ રાજકીય સમીકરણો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમાં અપક્ષ ભાવેશ પટેલ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવતા હોઈ આ બેઠક પર હાર- જીતમાં તેઓ કેટલા મત લઇ જાય છે તેના પર આધાર છે. જેમાં હાલ તો બહુચરાજી બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ભાવેશ પટેલ વચ્ચે ચતુષ્કોણીય જંગ દેખાઈ રહ્યો છે.જોવું રહ્યું કે કોણ બાજી મારશે.
ભાજપ
સુખાજી ઠાકોર
કોંગ્રેસ
ભોપાજી ઠાકોર
AAP
સાગર રબારી
અપક્ષ
ભાવેશ પટેલ