વિસનગર શહેરમાં રહેતી 17 વર્ષીય સગીરા ગુમ થવાના પ્રકરણમાં સુરત ખાતે રહેતો શખ્સ અપહરણ કરી ગયાનું બહાર આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાને મેડીકલ ચકાસણી અર્થે મોકલી આપી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર રહેતા એક પરિવારની 17 વર્ષની સગીરા ગત 12 નવેમ્બરના રોજ ઘરેથી સવારે 8 કલાકે કોલેજ જવાનું કહી નીકળી હતી. જે મોડી સાંજ સુધી પરત નહીં ફરતાં ચિંતાતુર પરિવારજનોઅે તેની શોધખોળ હાથ ધરી હતી. સગાંસબંધીઓ તેમજ તેની બહેનપણીઓને ત્યાં શોધખોળ બાદ પણ ભાળ મળી ન હતી. આથી શહેર પોલીસ મથકમાં સગીરાના પિતાએ જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સગીરાનું અપહરણ વસાવા રવિ રાયમલભાઇ નામના યુવકે કર્યું હોવાનું અને તે સુરત ખાતે હોવાનું જાણવા મળતાં પોલીસે રેડ કરી યુવકને સગીરા સાથે પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપી રવિ વસાવાને વિસનગરની પોક્સો કોર્ટમાં રજૂ કરતાં સરકારી વકીલ આર.બી. દરજીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલી અપાઇ હતી.