સુરતના રાંદેર ખાતે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને તેની સાથે સ્કુલના સમયથી અભ્યાસ કરતો યુવક એકતરફી પ્રેમમાં હતો. યુવતીને પ્રેમસંબંધની ના પાડતા થોડા સમય પહેલા કોલેજમાં ચપ્પુ લઈને ઘુસી આવ્યો હતો. તેમ છતા યુવતી તાબે નહી થતા ઘરમાં ઘુસીને છેડતી કરી ધમકી આપી હોવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનાને લઇ આઠેક મહિના પહેલા સુરતના પાસોદરા ખાતે થયેલા ચકચારી ફેનિલ ગોયાણી અને ગ્રીષ્મ વેકરીયા હત્યા કાંડની યાદો તાજી કરી હતી. જૉકે આ ઘટનામાં ખૂની ખેલ ખેલાયો ન હતો પણ આ ઘટનામાં પણ યુવતી તાબે ન થતા યુવક ચપ્પુ લાઈ કંઈક ને કંઈક કાંડ કરવા માટે યુવતીની કોલેજ અને ઘરે પહોંચ્યો હતો.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર વિસ્તારમાં રહેતી યુવતી હાલ કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. હરીપુરા ભવાનીવાડ ખાતે રહેતો રૂદ્ર અજયભાઈ પટેલ લાંબા સમયથી યુવતીના એકતરફી પ્રેમમાં છે. રૂદ્ર હેરાન પરેશાન કરી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. અગાઉ ધોરણ 12 માં રૂદ્ર અને યુવતી સાથે અભ્યાસ કરતા હતા. ત્યારથી તે પરેશાન કરતો હતો. ત્યારબાદ યુવતી ધોરણ 12 માં પાસ થઈ અને રૂદ્ર નાપાસ થયો હતો. યુવતીએ શહેરની નામાંકિત કોલેજમાં બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ શરૂ કર્યો હતો.
રૂદ્રા નાપાસ થતા ડિમાર્ટમાં નોકરીએ લાગી ગયો હતો. જોકે ત્યારપછી પણ રૂદ્ર યુવતીનો પીછો કરીને પ્રેમસંબંધ માટે દબાણ કરતો હતો. થોડા સમય પહેલા રુદ્ર તેના મિત્રને સાથે લઇ યુવતીની કોલેજ પહોંચી ગયો હતો. જ્યાં તેણીને ચપ્પુ બતાવી જો પ્રેમસંબંધ નહીં રાખે તો જાનથી મારવાની ધમકી આપી હતી. છતા યુવતી તાબે નહીં થતા ગઈકાલે રુદ્ર યુવતીના ઘરે પહોંચી જઈ તેની છેડતી કરી ધમકી આપી હતી. રાંદેર પોલીસ સ્ટેશનમાં રુદ્ર સામે પોક્સો અને છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.