દેશના નાના શહેરો હવે મીલીયોનરનું સર્જન કરી રહ્યા છે અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સંપતિ સર્જનમાં ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ સહિતના શહેરોમાં ધનાઢ્યોની સંખ્યામાં મોટો વધારો થયો છે તથા વેલ્થ ક્રિએશન એટલે સંપતિ સર્જનમાં ભારતમાં હવે ડીસેન્ટ્રલાઈઝેશન એટલે કે મુંબઈ, ચેન્નઇ સહિતના મહાનગરોના બદલે નાના શહેરોમાં ધનપતિઓ કેન્દ્રીત થવા લાગ્યા છે. ખાસ કરીને નાના શહેરોમાં સાહસિકો માટે હવે તક વધી છે, સુરત, રાજકોટ, લુધીયાણા, ગુરુગ્રામ, નોઇડા અને પુના જેવા શહેરો નવા ધનાઢ્યોના કેન્દ્રો બનતા જાય છે. રાજકોટમાં બાલાજી વેફર્સના પ્રમોટર્સ ભીખાભાઈ વિરાણીએ રૂા. 3400 કરોડની મિલકતો સાથે મહાનગરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે આ ઉપરાંત દેશમાં 1000 કરોડ કે તેથી વધુ મિલકત ધરાવનારની સંખ્યા 1103 થઇ છે અને પ્રથમ વખત 1100ના માર્કને તોડ્યો છે જે છેલ્લા પાંચ વર્ષમાં 62 ટકાનો વધારો દર્શાવ્યો છે.
આઈઆઈએફએલ વેલ્થ ઇન્ડીયાના રીચ લીસ્ટમાં સુરતમાં 24 નવા બીલીયોનરો નોંધાયા છે જેમાં ચાર નવા પાંચ વર્ષમાં ઉમેરાયા છે અને સુરતમાં સૌથી ધનવાન વ્યક્તિ તરીકે અશ્વિન દેસાઈ અને તેના ફેમીલીનો સમાવેશ થાય છે. રાજકોટમાં 7 બીલીયોનર્સ છે જેમાં એક નવા નોંધાયા છે અને રાજકોટ એ 16માં ક્રમાંકે આવ્યું છે. અને રાજકોટના આ બીલીયોનર્સની કુલ સંપતિ રૂા. 16000 કરોડ નોંધાઇ છે.