સમાજનાં નબળા વર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા સંદર્ભે અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) એક્ઝામની તૈયારી માટે પ્રોત્સાહિત અને તાલીમબદ્ધ કરવાનાં હેતુસર રાજ્ય પરીક્ષા બોર્ડનાં પરિરૂપ તથા NCERTનાં અભ્યાસક્રમ મુજબની પ્રશ્ન બેન્ક પુસ્તિકા નિઃશુલ્ક પૂરી પાડવા બી. આર. સી. ભવન, ઓલપાડ ખાતે સંક્ષિપ્ત વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આરતી ગોસ્વામીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકાનાં તમામ કેન્દ્ર શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. બી. આર. સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી સદર એકઝામની સવિસ્તર માહિતી પૂરી પાડી હતી. તેમણે આ તબક્કે અદાણી ફાઉન્ડેશનની બાળોપયોગી ઉમદા કામગીરીને બિરદાવી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ભગીરથ કાર્ય માટે રાહ ચીંધનાર પિંજરતનાં સી. આર. સી. કો-ઓર્ડિનેટર પરેશ પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા સંચાલિત કાંઠા વિસ્તારની અમારી 15 જેટલી પ્રાથમિક શાળાઓમાં 'ઉત્થાન' પ્રોજેક્ટ કાર્યરત છે જે ખરેખર પ્રશંસનીય અને આવકારદાયક છે. અંતમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આરતી ગોસ્વામીનાં હસ્તે નોંધાયેલા તમામ પરીક્ષાર્થી બાળકો માટે ટોકનરૂપ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે સંસ્થા વતી સૌ બાળકોને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.