રાજ્યની વિધાનસભાની 182બેઠકો પર આમ આદમી પાર્ટીના અનઅધિકૃત વ્યક્તિ દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે તમામ મેન્ડેડ રદ કરવા આણંદના યુવકે ચુંટણી અધિકારીને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી રસપ્રદ બની રહી છે, આ વખતે ત્રીજા પક્ષ તરીકે આપે ઝુકાવ્યું છે. જોકે, તેમના ઉમેદવારોને આપવામાં આવેલા મેન્ડેડ અનઅધિકૃત વ્યક્તિની સહી હોવાનો આક્ષેપ આણંદના યુવકે ઉઠાવ્યો છે. આ અંગે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ઉમેદવારીપત્રો રદ્દ કરવા માગણી કરી હતી.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભરોડા ગામમાં રહેતા હાર્દિક જે. પટેલ અને એડવોકેટ કેયુર જોષીએ રજૂઆતમાં જણાવ્યું હતુ કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા તમામ મેન્ડેડ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા છે. જેથી તે કાનુની રીતે અને સ્વયં આમ આદમી પાર્ટીના ગુજરાત કક્ષાએ રજુ થયેલા બંધારણ પ્રમાણે પણ ગેરકાયદેસર હોવાથી તમામ ઉમેદવારોને વિધાનસભાની ચૂંટણીમાં રદબાતલ કરવામાં આવે તે અમારી નીચે જણાવ્યાનુસાર અને પત્ર સાથે જોડેલી રાજ્ય ચૂંટણી આયોગમાં કરવામાં આવેલી આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીના પુરાવાને આધારે તુરંત જ નિર્ણય લેવા માટે માગણી કરી છે.
વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે રાજ્ય ચૂંટણી આયોગમાં રાજ્ય કક્ષાની પાર્ટી હોવાને કારણે વર્ષ 2019માં ગુજરાતીમાં બંધારણ રજુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ આપ પાર્ટીના નેશનલ સેક્રેટરી પંકજ ગુપ્તાએ મેન્ડેડમાં સહી કરી છે. જે ખરેખર સહી કરી શકે નહીં. આ ઉપરાંત રાજ્ય કક્ષાની પાર્ટીને તેમની રાજ્ય સ્તરની એજન્ડા સાથેની બેઠક યોજી મેન્ડેડ ઉપર રાજ્યના જ અધિકૃત પાર્ટીના બંધારણમાં ઉલ્લેખ હોય તેવા હોદ્દા સાથેના હોદ્દેદાર જ સહી કરી શકે ત્યારે હાલ ગુજરાત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ કિશોર દેસાઇના નામની સહી પણ છે. જ્યારે આવો કોઇએ જ હોદ્દાનો ઉલ્લેખ રાજ્ય ચૂંટણી આયોગમાં રજુ કરેલા બંધારણ કે સુધારાઓ છે જ નહીં. તો બંધારણ મુજબ જે વ્યક્તિ ગેરલાયક જ છે. મેન્ડેડ પર સહી કરનાર પંકજ ગુપ્તા કે જેઓ દિલ્હીમાં સ્થિત છે અને કિશોર દેસાઇ કે જેઓ હાલ પાર્ટીના બંધારણ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયાથી કોઇ જ હોદ્દો ન ધરાવતા હોવાથી બન્ને વ્યક્તિઓ આપ પાર્ટીના મેન્ડેડ ઉપર સહી કરવા માટે ગેરલાયક છે. તેમણે પાર્ટીના બંધારણની ઘોર અવગણના કરી હોવા સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના હજ્જારો કાર્યકરો જોડે વિશ્વાસઘાત કરી હાલની ચૂંટણીઓમાં જે કોઇ પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે.
અરજદારોએ પોતાની રજૂઆતમાં વધુ જણાવ્યું હતું કે આપ પાર્ટીના ઉમેદવારોના ચૂંટણીના ફોર્મ સાથે ગેરકાયદેસર હોદ્દેદારોની સહીઓ સાથેના મેન્ડેટ રદ થવાની પાત્રતા ધરાવે છે. જેથી તમામ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવે. આમ આદમી પાર્ટી દ્વારા રજુ કરેલા બંધારણના અનુસંધાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને જે મેન્ડેટ એનાયત કરવામાં આવ્યા છે. તેમાં મેન્ટેડ આપનારા અને સહી કરનારા વ્યક્તિઓને અધિકૃત કરવા માટેની કોઇ જ મિટિંગ બોલાવ્યા તથા તેનો એજન્ડો અને સર્વાનુમત્તે કરવામાં આવેલા ઠરાવ હાલ આજદિન સુધી રાજ્ય ચૂંટણી આયોગમાં કરવામાં આવેલી ન હોવાથી તમામ નીતિ નિયમોને નેવે મુકી દિલ્હીના આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી પંકજ ગુપ્તા અને કિશોર દેસાઇ દ્વારા ગુજરાતના પ્રજાજનો જોડે ઘોર અપરાધ કર્યો છે.