સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી ધીમે ધીમે પગપેસારો કરી રહી છે. વિતેલા ૪૮ કલાકમાં જ રાતના તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે લઘુત્તમ તાપમાન ૧૮. ૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે ઠંડીનો દોર શરૂ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં સતત વરસી રહેલા હિમવર્ષાને કારણે ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. મેદાની વિસ્તારોમાં ઠંડીનું આગમન થતાં પવનોની દિશામાં પણ ફેરફાર જોવા મળ્યો છે. સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યા બાદ આજે વધુ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. વિતેલા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેને પગલે આજે લઘુત્તમ તાપમાન 18. 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઘટીને ૩૨ ડિગ્રી નોંધાયું હતું. બપોર બાદ શહેરમાં પવનોની દિશા બદલાઈને પૂર્વની નોંધાઈ હતી. આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજે પણ શહેરમાં બે કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાયો હતો. જેને કારણે ઠંડીમાં વધારો થશે અને તાપમાન હજુ ઘટશે.