સુરત: વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ દરેક રીતે મતદારો સુધી પહોંચવા માટે પોતાની રીતે તનતોડ પ્રયાસો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ એક અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને અચ્છે દિનને લઈને જે સરકારે વાયદા કર્યા હતા. તેનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ દરેક ચીજ વસ્તુમાં થયેલા ભાવ વધારાને પણ દર્શાવવામાં આવ્યું છે.

ભાજપ સરકારના રાજમાં છેલ્લા થોડા સમયથી જે પ્રકારે સતત મોંઘવારી વધી રહી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટાણે મોંઘવારીનો મુદ્દો લોકો સુધી અલગ જ રીતે લઈ જવામાં આવી રહ્યો છે. સીતાનગર ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ અને ગેસ સિલિન્ડરના ભાવનો તફાવત દેખાય તે રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈ ખાદ્ય વસ્તુનો ભાવ વધારો થતો હોય છે. ત્યારે સીધી અસર ગૃહિણીના બજેટ ઉપર થાય છે. કોંગ્રેસ આ બાબતને મહિલાઓ સુધી પહોંચાડવા માટે મોંઘવારીનો મુદ્દો આગળ લઈ જઈ રહી છે. દરેક સોસાયટીઓમાં અને મોહલ્લાઓમાં આ પ્રકારનું એક રીતસરનું પ્રદર્શન ગોઠવવામાં આવી રહ્યું છે. જેથી કરીને સોસાયટીઓની મહિલાઓ આ બાબતને ગંભીરતાથી લઇ અને ખરેખર મોંઘવારી કયા સ્થળ ઉપર પહોંચી છે. તે બાબતની સારી રીતે સમજણ મેળવે. કઈ સરકારે કેવા વાયદા કર્યા હતા અને હાલ કેવી સ્થિતિ છે. તે અંગે મહિલાઓને જાગૃત કરવા માટે અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ બાબતે કોંગ્રેસ નેતા સુરેશ સુહાગીયાએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં આજે અમે લોકોને મોંઘવારીનો મુદ્દો કેવી રીતે સ્પર્શે છે અને મોંઘવારી કયા સ્તર ઉપર છે. તેને લઈને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની ડબલ એન્જિન સરકાર સમગ્ર દેશની અંદર મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ તેમજ ગેસ સિલિન્ડરના ભાવ જે રીતે વધાર્યા છે. તેને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. સરકારે અચ્છે દીનના ખૂબ મોટા મોટા વાયદાઓ કર્યા હતા. પરંતુ એ વાયદા સરકારે પૂર્ણ કર્યા નથી.

અંતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હવે પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓ લઈને હવે બહાર નીકળી રહી છે. સુરતના કામરેજ અને વરાછા વિધાનસભા વિસ્તારની અંદર અલગ અલગ સોસાયટી અને મહોલ્લામાં આ પ્રકારના કાર્યક્રમોં આપવાના શરૂ કર્યા છે. મોંઘવારીનો જે તફાવત યુપીએ સરકારનો અને એનડીએ સરકારનો છે. તેને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.