મોબાઇલ ફોન આજના યુવાનોનો જિંદગીનો એક ભાગ બની ગયો છે. તેની વગર ઘણા યુવાનો એક મિનિટ પણ રહી શકતા નથી. સતત મોબાઈલ પર ચિપકી રહેતા લોકોને ઘણી વખત તેના માઠા પરિણામ પણ ભોગવવા પડે છે. મોબાઇલમાં રચ્યાપચ્યા રહેતા લોકો માટે ચેતવા જેવો એક કિસ્સો સામે આવ્યો છે. ચલાલામાં મોબાઈલ ફોનમાં મશગુલ એક વ્યક્તિનું ટ્રેન અડફેટે આવી જતાં કરૂણ મોત થયું હતું. આ કરૂણ ઘટનાને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ અંગે રાજકોટના વિંછીયા તાલુકાના સાસીયા ગામના કડવાભાઈ કાનાભાઈ જોગરાજીયા (ઉ.વ.૬૯)એ જાહેર કર્યા મુજબ, તેમના ગામના રાજેશભાઈ દેવશીભાઈ જોગરાજીયા (ઉ.વ.૩૫)નું ચલાલા રેલ્વે સ્ટેશન ખાતે પટરી સફાઇનું (ડ્રેસિંગ બોક્સિંગ)નું કામ ચાલતુ હતું.

ચલાલા ધારી રોડ રેલવે ફાટકથી આશરે ત્રણસો ફુટ જેટલુ દુર અન્ય એક કામ રાખવા માટે જોવા ગયેલ હતા. બપોરે એક વાગ્યાની આસપાસ ચલાલા રેલવે સ્ટેશનથી ધારી તરફ ટ્રેન જતી હતી અને તે રેલ્વે ટ્રેક પર તેના ફોનમાં વાત કરવામાં મશગૂલ હતા તે દરમિયાન ટ્રેન આવી જતા ટ્રેનની હડફેટમાં આવી જતા મરણ પામ્યા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મીહિરભાઈ કનુભાઈ ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.