લીંબડીની સબજેલમાં એસઓજી ટીમે જેલર, જેલ પર ફરજ બજાવતા કર્મીઓને સાથે રાખીને આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન 2 મોબાઈલ ફોન, ચાર્જર અને ઈયરફોન મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવતાં જેલ પ્રશાસનની કામગીરી સામે જ અનેક સવાલો ઊભા થયા છે.લીંબડી સબજેલમાં જેલ પ્રશાસનની નજર બહાર કે તેમની મીલીભગતના કારણે કેદીઓ મોબાઈલ સહિત જેલ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરતા અગાઉ અનેકવાર ઝડપાઈ ચૂક્યા છે. એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, એલસીબી પીઆઈ વી.વી.ત્રિવેદી, પીએસઆઈ જે.આર.રાણા, પ્રવીણભાઈ આલ સહિત ટીમે લીંબડી સબ જેલના જેલર અને જેલ ઉપર ફરજ બજાવતા કર્મીઓને સાથે રાખીને ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે શૌચાલયના ધાબા ઉપરથી 2 મોબાઈલ ફોન, ચાર્જર અને ઈયરફોન મળી આવ્યા હતા. જેલ પ્રતિબંધિત વસ્તુઓ લાવનાર અજાણ્યા ઈસમો અને તેમને મદદ કરનારા શખસો લીંબડી પોલીસ મથકે જેલ પ્રિઝન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.લીંબડી સબજેલમાં ચેકિંગ દરમિયાન ઝડપેલા મોબાઈલ, ચાર્જર, ઈયરફોન લઈને જેલ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. લીંબડી સબજેલમાં અવારનવાર મળી આવતી પ્રતિબંધિત વસ્તુઓ રાખનાર કેદીઓની સાથે ફરજ પર બેદરકારી દાખવનાર જેલ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે તેવી માગ ઊઠી છે.