લોકશાહીના મહાપર્વમાં જોડાવા દાહોદના મતદાતાઓને આહ્વાન કરતો અવસર રથ,દેવગઢ બારીયાના વિવિધ મતદાન વિસ્તારોમાં અવસર રથે મતદાતાઓને મતદાનનો સંદેશો આપ્યો
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે અને દાહોદ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા બીજા તબક્કામાં યોજાવાની છે ત્યારે મતદાતા જાગૃત્તિ અભિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં સઘનરૂપે ચાલી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં અવસર રથનું આગમન થયું છે. જિલ્લાની દરેક વિધાનસભા પ્રમાણે મતદાન વિસ્તાર ખાતે અવસર રથ ફરીને મતદાતાઓને જાગૃત કરવા માટેનું આયોજન કરાયું છે. ખાસ કરીને જે વિસ્તારમાં ઓછું મતદાન થાય છે ત્યાં અવસર રથ થકી મતદાતાઓને મતદાન અવશ્ય મતદાન કરવા સમજ અપાશે.
અવસર રથ આજે દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગામોમાં ફર્યો હતો અને મતદાતાઓને લોકશાહીના મહાપર્વમાં જોડાવા આહ્વાન કર્યું હતું. અવસર રથ આજે દિવ્યા, પાવ, સજોઇ, દુધામલી, ભોરવા, પીપોદરા સહિતના ગામોમાં ફર્યો હતો. આ વિસ્તારોના મતદાતાઓને આગામી તા. ૫ ડિસેમ્બરે મતદાન અવશ્ય કરવા સમજ અપાઇ હતી. આ માટે રથ સાથેના બીએલઓએ મતદાતાઓને વીવીપેટ, સીયુ સહિતની મતદાનની પ્રક્રિયા વિશે જણાવ્યું હતું અને મજબુત લોકશાહી માટે મતદાનના મહત્વ વિશે સમજ આપી હતી. ઉપસ્થિત મતદાતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટેની શપથ ૫ણ લીધી હતી.
અવસર રથ આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિધાનસભા મતદાન મથકોના વિસ્તાર ખાતે ફરશે અને જિલ્લાના મતદાતાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરશે.