ધનસુખ રાજપુતનું ફોર્મ રદ કરવા મનુ પટેલે વાંધો લીધો ચૂંટણી અધિકારીએ અરજી અગ્રાહ્ય રાખીને ધનસુખનું ફોર્મ માન્ય રાખ્યુ વિધાનસભાની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઉધના વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી. જોકે, બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ મનુ પટેલે કરેલી વાંધા અરજી રદ કરી ધનસુખ રાજપુતનું ફોર્મ ગ્રાહ્ય રાખ્યું હતું.
ઉધના વિધાનસભાની બેઠક પર ભાજપના મનુ પટેલે ઉમેદવારી કરી છે. જ્યારે તેની સામે કોંગ્રેસના ધનસુખ રાજપુતે ઉમેદવારી નોંધાવી છે. મંગળવારે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાનમાં ભાજપ તરફે વકીલે વાંધા અરજી રજુ કરીને ધનસુખ રાજપુતનું ફોર્મ રદ કરવા માટેની માંગણી કરી હતી. તેમણે એવી રજૂઆત કરી હતી કે, ફોર્મમાં મિલકત અંગે પુરતી માહિતી આપવામાં આવી નથી. તેમ જ અપુરતી વગતો રજુ કરી હોવાથી તેમનું ફોર્મ રદ કરવા માટેની માંગણી કરી હતી. ચૂંટણી અધિકારીએ આ અંગે ધનસુખ રાજપુતને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.