મહેસાણાના સોમનાથ રોડ પરથી એલસીબીની ટીમે ચોરીના એક્ટિવા સાથે વિસનગરના છોગાળા ગામના યુવકને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોતાના મિત્ર સાથે મળીને વિસનગર અને મહેસાણામાંથી બે ટુ-વ્હીલર વાહનોની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.
એલસીબીના ઇન્ચાર્જ જે.પી. રાવ દ્વારા શરૂ કરાયેલી કામગીરી અંતર્ગત ખાનગી બાતમીને આધારે મહેસાણાની સોમનાથ ચોકડી રોડ પરથી વિસનગર તાલુકાના છોગાળા ગામના ચૌધરી ફુલજીભાઈ ઈશ્વરભાઈ રેવાભાઇ નામના યુવાનને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેના મિત્ર વિષ્ણુભાઈ મગનભાઈ દેવીપુજક (રહે. ડોસાભાઈ બાગ નજીક, વિસનગર) સાથે મળી ચાર દિવસ પૂર્વે જ વિસનગરના માયાબજારથી એક્ટિવાની તેમજ મહેસાણા તોરણવાળી માતાના ચોકમાંથી ત્રણ દિવસ પૂર્વે બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.