રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીની જંગ જામ્યો છે. ત્યારે ગઈકાલે સાંજે વિસનગર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના કાર્યાલયના ઉદ્ઘાટન બાદ કોંગ્રેસ પર પ્રહાર કરતા જાણવ્યું હતું કે, વિસનગરમાં કોંગ્રેસ 1985થી જીતી જ નથી અને ભવિષ્યમાં પણ જીતશે નહીં. લીડની વાત તો જવાદો કોંગ્રેસને શરમ આવશે કે આટલા જ મત મળ્યાં.
વિસનગર બેઠક પર ભાજપ તરફથી ઋષિકેશ પટેલને ટિકિટ અપાઈ છે. ત્યારે વિસનગર વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. જ્યા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ઉપસ્થિત લોકોએ ઋષિકેશ પટેલની જીત માટે સમર્થન પૂરું પાડ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી વિસનગર વિધાનસભા બેઠક પર પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી કરી છે. જેને લઈ ઋષિકેશ પટેલના વિધાનસભા ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. શુભારંભ પ્રસંગે સંતો મહંતોથી લઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે ઋષિકેશ પટેલે ભાજપના કાર્યો અને જનતાનો તેમના પ્રત્યેનો જે વિશ્વાસ છે તે વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત લોકોએ પણ ઋષિકેશ પટેલને જંગી બહુમતીથી વિસનગર બેઠક જીતાડવા સમર્થન કર્યું હતું.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 1985થી આજ સુધી વિસનગરનો ઇતિહાસ રહ્યો છે કે, ક્યારે પણ કોંગ્રેસ જીતી નથી અને ભવિષ્યમાં પણ જીતશે નહી, લીડની વાત જવાદો કોંગ્રેસને શરમ આવશે કે અમને આટલા જ મત આવ્યાં. તેમ કહીં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વિસનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રીપાંખીયો જંગ જામશે. જોકે, વિસનગર બેઠક પર કોંગ્રેસે હજુ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.