છોટાઉદેપુર જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા સુખરામભાઇનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરાતા જ સુખરામભાઈ ભાજપમાં જોડાવવાની ફેલાયેલી આફવાઓનો અંત આવી ગયો છે.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા જેતપુર બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હોય તેઓના વેવાઈ મોહનસિંહ રાઠવા તેમજ જમાઈ રાજેન્દ્રસિંહ રાઠવા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જતા રહેતા સુખરામભાઇ પણ ભાજપમાં જોડાશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. સુખરામભાઇએ તાત્કાલિક રતનપુર ખાતે કોંગ્રેસનું નવીન કાર્યાલય ચાલુ કરી, પ્રેસ કોન્ફરન્સ કરીને તેમજ વિડીયો રેકોર્ડિંગ કરીને મેસેજ આપીને બે થી ત્રણ વાર હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, મારું કફન પણ કોંગ્રેસનું જ હશે, હું ભાજપ સાથે જોડાવાનો નથી તેવા સ્ટેટમેન્ટો આપવા છતાં સોશિયલ મીડિયા ઉપર સુખરામભાઈ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી અફવાએ જોર પકડ્યું હતું. રોજ આપવાઓના નવા નવા પડીકાઓ છૂટતા હતા પરંતુ ગત મોડી રાત્રે કોંગ્રેસની યાદી જાહેર થતાં જ તેમાં જેતપુર બેઠક ઉપર સુખરામભાઈ રાઠવા નું નામ આવી જતા બધી અફવાઓનું સુરસુરિયું થઈ ગયું છે.
આમ, છેલ્લા કેટલાક દિવસથી સુખરામભાઈના વેવાઈ અને જમાઈ ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે સુખરામભાઈ પણ ભાજપમાં જોડાઈ જશે તેવી અફવા એ જોર પકડ્યું હતું ત્યારે કોંગ્રેસે જેતપુર બેઠક ઉપર તેઓનું નામ જાહેર કરતા અફવાઓનો અંત આવી ગયો છે.