પાટણમાં રક્ષાબંધનના પર્વ પહેલા શરૂ થયેલ રાખી મેળા થકી રોજગારી મેળવતી સ્વસહાય જૂથોની બહેનો.
પાટણ : ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી.(જી.એલ.પી.સી) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો/સખીમંડળોનું કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ રક્ષાબંધનનાં પાવન પર્વ પહેલાં ૮ દિવસીય રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રક્ષાબંધનની ઉજવણી પહેલાં મહિલા પખવાડીયા અંતર્ગત જિલ્લાકક્ષાએ ૦૫ સ્ટોલ ઉભા કરી તા.૦૧.૦૮.૨૦૨૨ થી તા.૦૮.૦૮.૨૦૨૨ દરમ્યાન રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાવલીહુડ પ્રમોશન કંપની લી.(જી.એલ.પી.સી) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલાઓને તાલીમ આપીને તેઓને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે સાંકળવામાં આવે છે. આ ઉમદા પ્રયાસના ભાગરૂપે અને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને તા.૦૧.૦૮.૨૦૨૨ થી તા.૦૮.૦૮.૨૦૨૨ દરમ્યાન સી.ટી. કોમ્પ્લેક્ષની સામે ફૂટપાથ વાળી જગ્યામાં મંડપ બાંધી ૦૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રકારનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અવારનવાર કરવામાં આવે છે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળી રહે. ૮ દિવસ સુધી ચાલનારા આ રાખી મેળામાં ૯ સ્વ સહાય જુથોએ ભાગ લીધો છે. આ 5 જેટલા સ્ટોલમાં ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામનું તુલસી સખી મંડળ, તેમજ પંચાસર ગામનું સધીમાં સખી મંડળ, સરસ્વતી તાલુકાના વડુ ગામનું મહાદેવ સખી મંડળ, સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામનું જય હરસિદ્ધ ભવાની મિશન મંગલમ તેમજ પાટણ તાલુકાના સંડેર ગામનું મહાવીર મિશન મંગલમનો સમાવેશ થાય છે. રાખી મેળા સ્ટોલનું ઉદ્ઘાટન આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામિણ વિકાસ એજન્સી દ્વારા આયોજીત રાખી મેળામાં પાટણની બહેરા મૂંગાની શાળાનો પણ સમાવેશ થાય છે. આ શાળામાં કામ કરતા રેખાબેન પ્રજાપતી જણાવે છે કે, છેલ્લા 15 વર્ષથી ચાલતી આ શાળામાં દિવ્યાંગો દ્વારા અનેક ચીજવસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે. હાલમાં રાખી મેળાના સ્ટોલમાં દિવ્યાંગો દ્વારા રાખડી ઉપરાંત પર્સ, નાસ્તાની ડીશીસ, ભગવાનના વાઘા વગેરે વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. આ લોકો સાંભળી-બોલી નથી શકતા પણ તેઓની અંદર ભગવાને આપેલી અમુલ્ય કળા છે. અને એ કળાને ઉજાગર કરવાનું કામ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટોલ રાખવા બદલ અને સ્વસહાય જૂથોને હંમેશા અનેક પ્રવૃતિઓ થકી મદદ કરવા બદલ રાજ્ય સરકાર અને જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીનો ખુબ-ખુબ આભાર. અન્ય એક સ્ટોલમાં સરસ્વતી તાલુકાના વડુ ગામના સખીમંડળમાં કાર્યરત એવા હંસાબેન સાથે વાત કરતા જાણવા મળ્યુ કે તેઓ આ સખીમંડળમાં છેલ્લા 7 વર્ષથી જોડાયેલા છે. સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તેના થકી સખી મંડળની બહેનોને ઘણા લાભ થયા છે. હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે દરેક બહેન પોતાના ભાઈ માટે રાખડી ખરીદશે તેથી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખડીઓ અમે અમારા હાથેથી જ બનાવી છે. આ સ્ટોલનું આયોજન કરવા માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી તેમજ સ્વસહાય જૂથોને મદદ કરવા માટે સરકાર નો ખુબ-ખુબ આભાર. રાખી મેળાના આયોજનકર્તા ગ્રામીણ વિકાસ એજન્સીના નિયામકશ બી.કે. જોશીએ જણાવ્યું કે, આ રાખી મેળામાં જે રાખડીઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે તે બધી જ રાખડીઓ મહિલાઓએ પોતે પોતાના હાથેથી બનાવી છે. એક સ્ટોલમાં તો બહેરા-મૂંગા શાળામાંથી આવતા દિવ્યાંગોએ પોતે મહેનત કરીને આ રાખડીઓ તેમજ અન્ય વસ્તુઓનું નિર્માણ કર્યું છે. આ લોકો સાંભળી-બોલી નથી શકતા પરંતુ તેઓએ જે મહેનતથી અને ઉત્સાહથી આ રાખડીઓનું નિર્માણ કર્યું છે તે ખરેખર વખાણવા લાયક છે. રાખડીઓના વેચાણનો સીધો ફાયદો સ્વસહાયજૂથોને થશે અને તેઓને રોજગારી મળી રહેશે તેથી હું પાટણના નાગરીકોને વિનંતી કરુ છું કે સ્વસહાય જૂથોની મહિલાઓએ મહેનત કરીને સુંદર રાખડીઓનું નિર્માણ કર્યું છે જેથી સૌ અહી આવીને રાખડીઓની ખરીદી કરે તે માટે હુ અનુરોધ કરુ છુ.
આજે રાખીમેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ સ્મિતા પટેલ , (GAS) નિયામક ભરત જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણનાં સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની મહિલાઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :-રાજેશ જાદવ પાટણ