ચૂંટણી કામગીરી માં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરાયા, પોલિંગ સ્ટાફની તાલીમના પ્રથમ તબક્કાનો પ્રારંભ..

(માહિતી બ્યુરો, પાલનપુર) 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે આગામી તા.૫ ડિસેમ્બર-૨૦૨૨ના મતદાન યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે..

 વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના પોલિંગ સ્ટાફની તાલીમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. પાલનપુર ડેરી રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. ભવન ખાતે માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિસ્તારના કુલ-350 મહિલા મતદાન અધિકારીઓ, 700 પ્રથમ અને દ્વિતીય મતદાન અધિકારીઓ, 483 પ્રમુખ મતદાન અધિકારીઓ, 51 સખી મતદાન કેન્દ્રોના મહિલા મતદાન અધિકારીઓ તથા 5 દિવ્યાંગ મતદાન કેન્દ્રના અધિકારીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિસ્તૃત તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે..

૧૨-પાલનપુર વિધાનસભાના મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમારના સીધા નિરીક્ષણ હેઠળ તેમના દ્વારા નિયુક્ત કરાયેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા સમગ્ર સ્ટાફને અલગ અલગ બેચ અને 50- 50 ના સમૂહોમાં વિભાજીત કરી સુચારુ રીતે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પાલનપુર ગ્રામ્ય મામલતદારશ્રી ડી. એમ. કાછડ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..