મહેસાણા જિલ્લામાં ખેરાલુને બાદ કરતાં ભાજપે 6 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ કડી અને ખેરાલુ સિવાયની 5 બેઠકો પર રાજકીય સમીકરણો ન ગોઠવાતાં અથવા તો કેટલીક બેઠકો ઉપર બળવો થવાના ડરે ઉમેદવારો જાહેર કરી શકી નથી. જોકે, સોમવાર સુધી નામ કોંગ્રેસ જાહેર કરી શકે છે.

વિજાપુરમાં કોંગ્રેસે ચૂંટણી પૂર્વે જ સી.જે. ચાવડાને પોતાના અઘોષિત ઉમેદવાર તરીકે ફિક્સ કરી નાખ્યા છે. ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લામાં પાટીદાર અને ક્ષત્રિયોના રાજકીય સમીકરણો ન ગોઠવાતાં ક્યાં કયો ઉમેદવાર ઉભો રાખવાની દુવિધા તેમજ મહેસાણા અને બહુચરાજી જેવી બેઠકો પર બળવો થશે ના ડરે પણ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરી શકી નથી.

કડી બેઠક માટે પ્રવીણ પરમાર અને ખેરાલુ બેઠક માટે મુકેશ દેસાઇને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા બાદ ટિકિટોની વહેંચણી અને ઉમેદવાર નક્કી કરવાનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું હોવાનું પક્ષના આંતરિક સૂત્રો કહી રહ્યા છે. રાજકીય લેબોરેટરી અને હેડ ક્વાર્ટર ગણાતા મહેસાણામાં પાટીદાર કે પછી ક્ષત્રિય-ઠાકોર બંનેમાંથી કયા સમાજના ઉમેદવારને ઉભો રાખવો તે મુદ્દે છેલ્લા બે દિવસથી રાજકીય ધમાસાણ મચ્યું છે. જ્યારે ઊંઝામાં મહિલા કે પુરુષ ઉમેદવારને લડાવવો તે અંગે તેમજ બહુચરાજીમાં રિપીટ કરવા કે નવા ચહેરાને તક આપવી તેને લઈ હજુ અવઢવમાં છે.