મહેસાણા : ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે આંશિક રીતે મંજૂરી આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં ગુજરાતમાં હાઇકોર્ટે હાર્દિક પટેલને આશિંક રાહત આપી છે.

ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલ હવે એક વર્ષ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરી શકશે. પાટીદાર આંદોલન સમયે વિસનગર તોડફોડ કરવાના આરોપમાં હાર્દિક પટેલ પર મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જોકે હવે શરતો હેઠળ આ કેસમાં હાઈકોર્ટે આંશિક રાહત આપી છે. હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હળવી ટકોર કરતાં કહ્યું હતુ કે, આ કેસમાં થયેલી સજા રદ થઈ જાય તો પણ સરકારને કંઇ જ વાંધો રહેશે નહીં.

23 જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન 500 જેટલા લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. તે સમય દરમિયાન ભાજપના MLA ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી. ટોળા ઉપર લૂંટફાટ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. 2016માં વિસનગરમાં આઇટીઆઇ સર્કલ પાસે ધારાસભ્યની કાર પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી સહિતના લોકો સામે વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો.