દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત
કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નૂતન સંશોધનો દ્વારા કૃષિ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપે- રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન્ડ નેશનલ પ્રોસ્પેરીટીનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વૈજ્ઞાનિકો નૂતન સંશોધનો દ્વારા કૃષિ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ખેડુતો અને સ્વાવલંબી ખેતી દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે રાસાયણિક કૃષિથી મુક્તિ મેળવી ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ આજના સમયની આવશ્યકતા છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ હરિત ક્રાંતિ માટે રાસાયણિક કૃષિ અપનાવી એ સમયની માંગ હતી. તે સમયે રાસાયણિક કૃષિ અને હરિત ક્રાંતિના માધ્યમથી ખાદ્યાન્ન ક્ષેત્રે દેશ સ્વાવલંબન મેળવી શક્યો, પરંતુ આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે. આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. નિષ્ણાંતો માની રહ્યાં છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો ૨૪ ટકા જેટલો છે. રાસાયણિક કૃષિના કારણે જળ- જમીન અને પર્યાવરણ દૂષિત થઈ ગયાં છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો હોવાને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જમીન બંજર બની રહી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકના અંધાધુંધ ઉપયોગથી દૂષિત અનાજ આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીઝ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમય આવી ગયો છે રાસાયણિક કૃષિને તિલાંજલી આપવાનો. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ માર્ગ છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને સમજાવતાં જણાવ્યું હતું કે જંગલમાં કોઈ રાસાયણિક ખાતર, જંતુનાશકનો ઉપયોગ થતો નથી છતાં જંગલના વૃક્ષ, વનસ્પતિનો વૃદ્ધિ- વિકાસ થાય છે. આ જ પ્રાકૃતિક નિયમથી ખેતરમાં ખેતી કરવી એ જ પ્રાકૃતિક કૃષિ છે.
રાજ્યપાલશ્રીએ કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વૈજ્ઞાનિકોને આહવાન કરતા જણાવ્યું હતુ કે, હરિત ક્રાંતિ સમયે રાસાયણિક કૃષિ દ્વારા જે ક્રાંતિ થઈ એ જ રીતે પૂર્ણ મનોભાવથી રાસાણિક કૃષિથી મુક્તિ અને પ્રાકૃતિક કૃષિ દ્વારા કૃષિ અને કિસાનોની સમૃદ્ધિ માટે સંશોધનો થાય તે માટે કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વૈજ્ઞાનિકો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આજે રાસાયણિક ખાતરો પાછળ કેન્દ્ર સરકાર અઢી લાખ કરોડ રૂપિયાનો આર્થિક બોજ ઉઠાવે છે. રાસાયણિક ખાતરથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થતી નથી પરંતુ સતત ઘટે છે, જમીન બંજર બનતી જાય છે. રાસાયણિક કૃષિનો વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મજીવોની વૃદ્ધિથી થતી પ્રાકૃતિક પધ્ધતિમાં એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્માજીવો હોય છે. ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. ગાય ખેડુતો માટે આશીર્વાદરૂપ છે. એક ગાયથી ૩૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિમાં મૂળભૂત સિધ્ધાંતો સમજાવતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિમાં છાણ-ગૌમૂત્રથી બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. ગાયના છાણ-ગૌમૂત્ર- બેસન- ગોળ અને માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવામાં આવે છે. જેમાં કરોડો મિત્ર સૂક્ષ્મ જીવાણુનું નિર્માણ થાય છે અને કલ્ચર તરીકે કાર્ય કરે છે. આ સૂક્ષ્મજીવો હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. જમીનને ફળદ્રુપ બનાવે છે.
પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાં જેવા મિત્ર જીવો ધરતીમાં રહેલા ખનીજોનું શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. મૂળ દ્વારા તેનું શોષણ થવાથી છોડનું પોષણ થાય છે, વૃધ્ધિ થાય છે. જેનાથી જમીન ફળદ્રુપ બને છે. અળસિયાં જેવા મિત્ર જીવો ખેતરની માટીને નરમ બનાવે છે. જમીનમાં છેદ બનાવે છે જેનાથી જમીનને ઓક્સિજન મળે છે. પાણી જમીનમાં ઉતરતા કુદરતી રીતે જળસંચય થાય છે.
રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, કૃષિ ખર્ચ ઘટતો નથી. નિંદામણની સમસ્યાનો હલ મળતો નથી. ઓર્ગેનિક કૃષિમાં ઉપયોગમાં લેવાતા વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કામ કરી શકતા નથી જ્યારે પ્રાકૃતિક કૃષિ પુરી વિધિથી કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી. જમીનનો ઓર્ગેનિક કાર્બન પ્રાકૃતિક રીતે વધે છે, જમીન ફળદ્રુપ બને છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, જમીનમાં વાવેતર બાદ જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવામાં આવે છે. આ આચ્છાદનના કારણે જમીનનું ઉંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે. જેથી પાણીની ૫૦ ટકા જરૂર ઘટે છે. આચ્છાદનથી અળસિયાં જેવા મિત્રજીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. આચ્છાદનની વાપ્સાનું નિર્માણ થાય છે તેમજ નિંદામણની સમસ્યાથી મુક્તિ મળે છે. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે બહુસ્તરીય પાકના મહત્વને પણ સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકોને આગ્રહ કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ખેડુતો અને ખેતીને સમૃધ્ધ કરવાના આ સમાજ કલ્યાણના યજ્ઞમાં પૂર્ણ મનોભાવથી યોગદાન આપે. તેમણે દેશી બીજના સંરક્ષણ માટે તેમજ ઉન્નત બીજ માટે સંશોધન કરવા કૃષિ યુનિવર્સિટીઓને અનુરોધ પણ કર્યો હતો.
આ પ્રસંગે અક્ષય કૃષિ પરિવારના અધ્યક્ષશ્રી ર્ડા. ગજાનન ડાંગે જણાવ્યું કે, ભારતીય કૃષિ કરવટ બદલી રહ્યું છે ત્યારે કૃષિ ચિંતનને પુનઃ પ્રભાવિત કરવા અક્ષય કૃષિ પરિવાર કાર્ય છે. તેમણે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર- પ્રસાર કરી તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.
રોયલ એસોસિયેશન ફોર સાયન્સ લેડ સોસિયો કલ્ચરલ એડવાન્સમેન્ટ (RASA) ના અધ્યક્ષશ્રી ર્ડા. એે. કે. સિંઘે જણાવ્યું કે, કૃષિ અને ગ્રામિણ વિકાસ એ RASA ની પ્રાથમિકતા છે. પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે RASA કાર્યરત છે. તેમણે કહ્યું કે, ગ્રામિણ વિસ્તારની આજીવિકા કૃષિ પર આધારીત છે. દેશ ખાદ્યાન્નમાં આત્મનિર્ભર છે તેવી જ રીતે ખેડુતોને આત્મનિર્ભર બનાવવા છે. જ્યાં સુધી કૃષિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી સર્વાગી વિકાસ નહીં થાય.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. આર. એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા તમામનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. તેમણે કહ્યું કે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ૩૪ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે. જીવામૃતને ડ્રીપ ઇરીગેશન મારફત ખેતરમાં પહોંચાડવાની પધ્ધતિ વિકસાવવામાં આવી છે. આ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો અને FPO ને ટેકનીકલ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.
આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજયોના કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ, કૃષિ, પશુપાલન અને બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો ભાગ લઇ રહ્યા છે.