બારડોલીના ધામદોડ ખાતેથી પ્રોહીબિશના 10 જેટલાં ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગર એવા પિન્ટુ પરસોત્તમ પટેલને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. ગુજરાતના પાંચ જેટલા બુટલેગરો પર પોલીસ દ્વારા માહિતી આપનાર માટે 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. જે પાંચ પૈકી એક પિન્ટુ પરસોત્તમ પણ હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોહીબિશનના વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગરો પર વોચ કરી ઝડપી પાડવા માટે સિકંજો કસ્યો છે. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, દક્ષિણ ગુજરાતમાં પ્રોહીબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી પિન્ટુ ઉર્ફે પિન્ટુ પરસોત્તમ પટેલ બારડોલીના ધામદોડ ખાતે આવેલા બાલાજી પ્લાઝમા લક્ષ્મી મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં આવનારો છે. જે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન વોન્ટેડ આરોપી પિન્ટુ પટેલ આવી ચડતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ પકડાયેલ વોન્ટેડ આરોપી વિરુદ્ધ મદદરૂપ થનારા વ્યક્તિ માટે 25 હજાર રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.