વડોદરામાં નાના ફેરિયાઓ અને દુકાનોના ઓટલા તોડવામાં બહાદુર મનપા નું નમાલુ તંત્ર મોટા બિલ્ડરો અને પૈસા વાળા અને વગદાર લોકોના મોટા મોટા ગેરકાયદે બાંધકામો નો કાંકરો પણ ખેરવી શકતા નથી અને આવા બિન્દાસ નિયમ વિરુદ્ધ અનધિકૃત બાંધકામ ઉભા કરનારાઓ સામે તંત્ર ઘૂંટણીએ પડ્યું છે ત્યારે સબંધિત વિભાગની નીતિરીતી સામેં સવાલો ઉઠ્યા છે.
વડોદરામાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે અને ઠેરઠેર ગેરકાયદે બાંધકામોની ઉઠેલી ફરિયાદો વચ્ચે શહેરના સારાબાઈ કમ્પાઉન્ડમાં બિલ્ડરો દ્વારા તાણી બંધાયેલી મસમોટી હોસ્પિટલની બિલ્ડીંગમાં માર્જિનની જગ્યા બિલ્ડરો હજમ કરી ગયા હોવાની વાતે ભારે વિવાદ ઉભો કરી દીધો છે અહીં ગરીબ ફેરિયાઓના દબાણો હઠાવી ગરીબો ઉપર દમ મારનારા સબંધિત વિભાગના કહેવાતા ખેરખાઓની બોલતી બંધ થઈ ગઈ છે.
આખા ગુજરાત માં કોઈપણ ચરમબંધીની શેહમાં નહિ આવનાર સત્યડે એ જ્યારે વડોદરાના આ વિસ્તારમાં જઈ જાત મુલાકાત કરીતો અહીં જોવા મળેલા મોટા ગજાનાં નિયમ વિરુદ્ધ તાણી બંધાયેલા અને ચાલી રહેલા હોસ્પિટલના પ્રોજેકટ જોઈ ખુબજ નવાઈ લાગી હતી કારણ કે હજુપણ કામકાજ ચાલે છે અને રોકવા વાળું કોઈ નથી.
અહીં ચાલુ અને ઉભા થઇ ગયેલા મોટા પ્રોજેકટ ભારે ચર્ચાસ્પદ બન્યા છે જેમાં ઈશા હોસ્પિટલ, ટ્રાય કલર હોસ્પિટલ, નેપ્યુન ત્રિનીતિ,પરિવેલેજ એવન્યુ,મોનેટ પ્રોપર્ટી,નેપચ્યુન એજ, લોટસ પ્રાઈડ 1 ,2 ,રોયલ હાઉસ,જેવા મોટા ગજાના પ્રોજેકટના અનધિકૃત બાંધકામોએ ભારે ચર્ચા જગાવી છે કે જેઓ માર્જીન છોડ્યા વગરજ બાંધકામ કર્યું છે.
એટલુંજ નહિ પણ હાલમાં અન્ય કન્સ્ટ્રક્શન પણ બિન્દાસ ચાલી રહયા છે જેમાં વરુની , એસપાયર,અરણ્યા ગ્રીન વુડસ સહિતની અન્ય ચાલુ સાઈડસ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
અહીં બંધાઈ રહેલા મોટા પ્રોજેકટમાં એન્વાયરમેન્ટના નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે.
વડોદરાના સારાબાઈ કમ્પાઉન્ડમાં મલ્ટી હોસ્પિટલની બિલ્ડીંગો તાણી બાંધનાર બિલ્ડરોએ નિયમ મુજબ માર્જીન નહિ છોડતા સબંધિત વિભાગ પણ હવે શંકાના દાયરામાં આવી ગયો છે ત્યારે આ અંગે તપાસ કરવામાં આવેતો મોટા ગફલા બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહીં બિન્દાસ રીતે ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ ભારે ચર્ચામાં આવ્યા છે અને લોકોમાં ખોટો સંદેશો જાય નહિ અને લોકો ગેરકાયદે બાંધકામ કરતા સો વખત વિચાર કરે તે રીતે સબંધિત વિભાગ દ્વારા આવા કિસ્સામાં સખત પગલા ભરે તે જરૂરી બન્યું છે.
વડોદરાના સારાબાઈ કમ્પાઉન્ડમાં જે બાંધકામો છે તેમાં નક્કી કરેલી શરતો અને નકશા અને માર્જિનના નિયમ વિરુદ્ધ બાંધકામ કર્યાનું જણાઇ રહ્યું છે ત્યારે આ અનઅધિકૃત બાંધકામ અંગે ત્વરિત તપાસ અને પગલાં ભરાય તે જરૂરી બન્યું છે.