મહેસાણા :  2022 ની વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા પોત પોતાની રણનીતિ પ્રમાણે પોતાના ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 160 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. તેવામાં 24 વિધાનસભા કડીના ઉમેદવાર તરીકે કરશનભાઇ સોલંકીને રિપિટ કરવામાં આવ્યા છે.

આગામી ચૂંટણી દરમિયાન મહેસાણા જિલ્લાની બે વિધાનસભા સીટ પર ઉમેદવાર રિપીટ કરાયા છે. જેમાં કડી વિધાનસભા સીટ પર કરશનભાઇ સોલંકી ને ફરી એકવાર ભાજપે ચૂંટણી લડવા મોકો આપ્યો છે. તેમજ વિજાપુરના પાટીદાર નેતા એવા રમણ પટેલને પણ વિજાપુરથી ટિકિટ લડવા વધુ એક મોકો મળતા સ્થાનિક કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છે.

કરસનભાઈ સોલંકીનું મૂળ વતન કડી તાલુકાના નગરાસણ ગામના વતની છે. જેઓ 2017 માં કડી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના રમેશભાઇ ચાવડાને હરાવીને 7 હજારથી વધુ મતે તેઓ વિજયી બન્યાં હતાં. કડી તાલુકાના નગરાસણ ગામના વતની કરશનભાઇ સોલંકીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી રિપીટ કરવામાં આવ્યા છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. જેઓ 1981 થી 1985 સુધી નગરાસણ ગામના સભ્ય તરીકે રહી ચુક્યા છે અને 2001 થી 2005 સીધી તેમના જ ગામના સરપંચ પણ રહી ચુક્યા છે.