સુરતમાં દિવાળીના એક સપ્તાહ પૂર્વથી વેકેશનનો પ્રારંભ કરનાર સુરતના 4000 જેટલા નાના અને મધ્યમ હરોળના હીરાના કારખાનાઓ આવતીકાલે 10 નવેમ્બરથી શરૂ થશે. આવતીકાલથી શાળાઓ શરૂ થતાં મોટી સંખ્યામાં રત્નકલાકારો સુરત પરત આવી ગયા છે. જોબવર્ક પર નિર્ભર આ મોટાભાગના કારખાનેદારોને આગામી લગ્નસરા અને દેશ વિદેશમાં નાતાલની સિઝનનાં ઓર્ડર મળવાની આશાઓ છે. હીરા ઉદ્યોગમાં 21 દિવસના વેકેશનને લીધે હીરા ઉદ્યોગમાં માલનો ભરાવો ઓછો થવાની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.

હીરા બજારની ઓફિસો પણ આવતીકાલથી ખુલશે વરાછા મીની હીરા બજાર, ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજારની ઓફિસો પણ આવતીકાલથી ખુલશે. જીજેઈપીસીના ગુજરાત રિજયનના ચેરમેન વિજય માંગુકિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે નાતાલ પર્વમાં યુરોપના દેશોમાં ડાયમંડ જડિત જ્વેલરી ભેટ આપવાનું ચલણ હોવાથી ડાયમંડ જ્વેલરીનો સારો વેપાર આ સિઝનમાં થશે. ડોમેસ્ટિક લેવલે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નો વધુ હોવાથી પણ આ વર્ષે વેપાર વધુ થશે. યુરોપના ઓર્ડરની લીધે જેમ એન્ડ જ્વેલરીની નિકાસ નવેમ્બર-ડિસેમ્બરમાં વધશે એવી શક્યતાઓ છે.

હીરા બજારમાં માંડ 8-10 ટકા ઓફિસો ખુલી, કારખાનાઓ બંધ છે મહિધરપુરા અને વરાછા હીરા બજારમાંની માંડ 5-7 ટકા ઓફિસો ખુલી છે. કેબીનો અને ટેબલ પર કામકાજ કરતા વેપારીઓ અને દલાલો માટે તા. 17 મી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાથી,  રાબેતા મુજબ શરૃ થતાં હજુ સમય છે. મુંબઈ હીરાબજાર શરૃ થઈ ગયું છે. કેમકે દિવાળી પછી એક્સપોર્ટના પેન્ડિંગ કામો પુરા કરવાના હોવાથી ઓફીસો જલ્દી ખૂલી ગઈ છે. સુરતમાં હીરા બજારમાંની ઓફિસો સોમવાર સુધીમાં 50 ટકા ખુલી જવાની શક્યતાઓ છે. સેઇફ વોલ્ટ સવારના ત્રણ કલાક માટે જ ખોલવામાં આવે છે.