રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ
રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે
જૂનાગઢમાં ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય રોડ
શો કર્યો હતો, જેમાં તેમણે ગુજરાતમાં મફતમાં
વીજળી આપવાની જાહેરાત કરતાં જણાવ્યું
હતું કે માર્ચ પછી તમારા ઘરનું વીજબિલ તમારે
ભરવાની જરૂર નથી, જે હું ભરીશ. હું તમને
વચન આપું છું કે ચૂંટણી પછી હું તમારો ભાઈ
બનીને, તમારો દીકરો બનીને તમારા પરિવારની
જવાબદારી સંભાળીશ. મફત આપતાં કોઈને
નથી આવડતું, આ જાદુ માત્ર કેજરીવાલ પાસે
જ છે.કેજરીવાલ કેશોદ અને માંગરોળમાં રોડ શો કરશે
જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્યના ઉમેદવાર
તરીકે યુવા નેતા ચેતન ગજેરાને આમ આદમી
પાર્ટીએ ટિકિટ આપી છે. જૂનાગઢ જિલ્લાની
તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના
ઉમેદવારોનાં નામની પણ જાહેરાતો કરી દેવામાં
આવી છે. ત્યારે આજે જૂનાગઢમાં રોડ શો કર્યા
બાદ કેજરીવાલ કેશોદ અને માંગરોળમાં રોડ શો
કરશે. તમારા ઘરનું વીજબિલ હું ભરીશ: કેજરીવાલ
જૂનાગઢમાં રોડ શો દરમિયાન અરવિંદ
કેજરીવાલે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક
મહિનાઓથી ગુજરાત આવી રહ્યો છું અને મને
બહુ જ પ્રેમ મળી રહ્યો છે. હું હવે ગુજરાતનો
ભાઈ અને ગુજરાતનો બેટો બની ચૂક્યો છું.
દિલ્હીમાં 24 કલાક વીજળી આવે છે, પણ
વીજળીનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ
માર્ચ પછી ઘરનું વીજળીનું બિલ તમારે ભરવાની
જરૂર નથી, જે હું ભરીશ. હું તમને વચન આપું
છું કે ગુજરાતની ચૂંટણી પછી હું તમારો ભાઈ
બનીને, તમારો બેટો બનીને તમારા પરિવારની
જવાબદારી સંભાળીશ. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે 24 કલાક વીજળી
અને વીજળીનું બિલ ઝીરો આખી દુનિયામાં
ક્યાંય નથી, ફક્ત દિલ્હી અને પંજાબમાં જ
છે. હવે ગુજરાતમાં પણ થશે. આ જાદુ માત્ર
કેજરીવાલને જ કરતા આવડે છે, બીજા
કોઇને નથી આવડતું. મને ઉપરવાળા પાસેથી
વરદાન મળ્યું છે. દિલ્હીની શાળાઓ વિશે
જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે તમે સોશિયલ
મીડિયામાં જોયું હશે, અમે દિલ્હીમાં ખૂબ જ
સરસ શાળાઓ બનાવી છે, જેમાં ગરીબો અને
અમીરોનાં બાળકો એકસાથે બેસીને ભણે છે.