ડાલવાણા ગામજનોની દાતાને અનોખી બર્થડે ગિફ્ટ
ગામલોકોએ દાતા સુધીરભાઈનો સામૂહિક જન્મ દિવસ ઉજવી ગામના જાહેર સ્થળોને દાતાનું નામ આપ્યું
વડગામ તાલુકાના ડાલવાણા ગામના લોકોએ ગામના દાતા સુધીરભાઈના 76 માં જન્મ દિવસની ગામમાં જ અનોખી ઉજવણી કરી હતી. અને ગામલોકોએ ગામના જાહેરસ્થળોનું દાતા અને તેમના પરિવારના સભ્યો ના નામે નામાકરણ કરી અનોખી બર્થડે ગિફ્ટ આપી હતી.
વડગામ તાલુકાના ડાલવાણા ગામ હાલમાં વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે. જેના પાછળ ગામના જૈનશ્રેષ્ઠી સુધીરભાઈ કેશવલાલ નો મોટો ફાળો રહેલો છે. ગામમાં શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતી, રમતગમત, મહિલા વિકાસ સહિત ગામ તમામ ક્ષેત્રે વિક્ષિત બને તેવા અનેક કાર્યો અને વર્ગો આ દાતાના સહયોગથી ચાલી રહ્યા છે. ત્યારે ગામમાં વર્ષોથી દાન આપતા ગામના નગર શેઠ કેશવલાલ ગોવિંદજી પરિવાર અને કેશવલાલ ના નિધન બાદ આ સેવાની જ્યોત તેમના પુત્ર સુધીરભાઈ આગળ ધપાવી રહ્યા છે. ત્યારે રવિવારે સુધીરભાઈ નો 76 માં જન્મ દિવસ હતો. અને સુધીરભાઈ વ્યવસાય અર્થે મુંબઈ રહે છે. પણ ગામ લોકોએ દાતા સુધીરભાઈ નો જન્મ દિવસ ગામમાં ઉજવવાનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે ગામમાં મગરવાડા જૈનતિર્થના ગાદીપતિ યતિ વર્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના વડીલો, યુવાનો, બાળકો, મહિલાઓ સહિત લોકોએ ઉપસ્થિત રહી માવાની કેક કાપી અને સુધીરભાઈ નો જન્મ દિવસ ઉજવ્યો હતો. જેમાં ગામની કિશોરીઓ દ્વારા જન્મ દિવસ નું ગીત ગાઈ નૃત્ય પણ કર્યું હતું. તો બાળકોએ કરાટે બાજી કરી હતી. ગામના વડીલોએ સુધીરભાઈ ને શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. અને શ્રી વિજય સોમજી મહારાજ સાહેબે આશિર્વચન આપ્યા હતા. ત્યારબાદ ગામલોકોએ ગામમાં બની રહેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું 'દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ' નામ આપવાની જાહેરાત કરી હતી. તો ગામના પાદરે કરવામાં આવેલા વૃક્ષારોપણ વાળા સ્થળનું નામ 'સુધીર વન' નામ આપી દાતાને અનોખી બર્થડે ગિફ્ટ આપી હતી. આ 76 માં જન્મ દિવસ નિમિત્તે ગામના 76 લોકોનો વૃક્ષ, 76 કિચન ગાર્ડન કીટ, 76 મહિલાઓને સહાય ચેક અને 76 મહિલાઓને તાલીમ માટેના પ્રમાણપત્રો આપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમ સુધીરભાઈ અને તેમના પરિવારે મુંબઈ બેસીને ઓનલાઈન જોઈ ગામલોકો નો ઉત્સાહ વધાર્યો હતો.