સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલની બહાર જ સાયલન્સ ઝોનના નિયમનો ખૂલ્લેઆમ ભંગ સાથે ખાનગીવાહનોનો જમેલો જામતા લોકો પરેશાન બની ગયા છે. કારણ કે હાલ આ હોસ્પિટલમાં 40 દર્દીઓ જુદા જુદા દર્દની સારવાર લઇ રહ્યા છે. ત્યારે હોસ્પિટલની આજુબાજુ જ નાના-મોટા વાહનોના દેકારાથી દિવસ-રાત દર્દીઓ સાથે પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.સુરેન્દ્રનગર શહેરમાં બસ સ્ટેશનની સામે જિલ્લાની મુખ્ય મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સમગ્ર જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી દરરોજની અંદાજે 500 ઓપીડી નોંધાઇ રહી છે. તો બીજી તરફ હાલના સમયે હોસ્પિટલમાં જુદા જુદા રોગની 40 દર્દીઓ દાખલ થઇને સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલની આસપાસ સાયલન્સ ઝોન જાહેર કરાયો છે. તેમ છતાં આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન થતુ હોવાની બૂમરાણો ઉઠી છે.આ અંગે કિશોરભાઈ પરમાર, રામજીભાઈ રાઠોડ વગેરે જણાવ્યું કે, આ વિસ્તારમાંથી ખાનગીવાહનોની ભીડ તેમજ વાહનોના દેકારા સામે કાર્યવાહી કરવી જોઇએ. ગાંધી હોસ્પિટલની આજુબાજુ જ છેલ્લા ઘણા સમયથી ખાનગીવાહનોનો ભરાવો થાય છે. જેમાં નાના-મોટા પેસેન્જર વાહનો, રિક્ષાઓ સહિતની દોડાદોડી હોસ્પિટલની આગળ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. વાહનોના નાના મોટા અવાજોથી બિમાર દર્દીઓ સાથે તેના પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે. આથી આ હોસ્પિટલની આજુબાજુથી પ્રદૂષણ અને દેકારો બંધ થાય તેવી લોકમાંગ ઉઠી છે.