મહેસાણા : કડી પંથકમાં વાહન ચોરાવાનું હવે નવાઈનું રહ્યું નથી. કડી તાલુકા તેમજ શહેરની અંદર તસ્કરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ કડી શહેરની અંદર અનેકવાર વાહનો ચોરાતા ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે કડી તાલુકાના ડરણ ગામે યુવક નોકરીએથી આવીને ઘર પાસે બાઇક પાર્ક કર્યુ હતું અને રાત્રિ દરમિયાન તસ્કરો બાઈક લઈને રફુચક્કર થઈ ગયાં હતા. જેની બાવલું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

કડી તાલુકાના ડરણ ગામે રહેતા રવીન્દ્ર સિંહ વાઘેલા કે જેવો પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જેઓ પોતાના માલિકીનું બાઈક લઇને સોલા અમદાવાદ પ્રાઈવેટ કંપનીમાં નોકરી માટે સવારે નિકળ્યાં હતાં. રાત્રિ દરમિયાન નોકરીથી પરત આવીને પોતાના ગામ ખાતે આવેલા ઘરના ઓટલા ઉપર પોતાનું બાઈક પાર્ક કર્યુ હતું. ત્યારબાદ રાત્રે જમી પરવારીને સુઈ ગયા હતા. બાદમાં સવારે તેઓને નોકરી જવાનું હોય ઘરની બહાર આવીને પાર્ક કરેલી જગ્યા ઉપર પોતાનું બાઈક મળી ન આવતા તેઓ હાંફળા ફાંફળા થઈ ગયાં હતાં. બાદમાં તેઓએ આજુબાજુ તેમજ સગાસંબંધી તેમજ ગામની અંદર શોધખોળ કરતાં તેઓનું બાઈક ન મળી આવતા તેઓએ કડી તાલુકાના બાવલું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.