ગુજરાત રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. કઈ બેઠક પર કોને ટિકિટ મળશે તેને લઈને ચારેકોર ચર્ચા જામી છે. ત્યારે ખેરાલુના વતની અને ગુજરાતમાં સંગીતની દુનિયામાં લોક ચાહના ધરાવતા એવા કલાકાર જિજ્ઞેશ કવિરાજે પણ રાજકારણમાં ઝંપલાવવાનું મન બનાવી લીધું છે. એક ખાનગી ચેનલે જિજ્ઞેશ કવિરાજનો આ મામલે સંપર્ક કર્યો હતો. જેમાં તેઓએ ગામનો વિકાસ નથી થયો એટલે ગ્રામજનોના કહેવાથી હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ તેવી તૈયારી બતાવી હતી.
લોકગાયક જિજ્ઞેશ કવિરાજે એક ખાનગી ચેનલને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, થોડા સમયમાં અપક્ષમાંથી ફોર્મ ભરૂ છું. મારા ખેરાલું વિસ્તારના લોકો અગ્રણીઓ અને મારા ચાહકોની ખૂબ લાગણી હતી કે હું પણ ચૂંટણી લડું. તેઓ મને કહેતા કે, તમે ચૂંટણી લડો અને ગામનો વિકાસ કરો, જેથી મેં સમય આવશે ત્યારે આ બાબતે વિચારી એવું નક્કી કર્યું હતું. ત્યારે હવે મારો સમય આવી ગયો છે મને પેલા મારા ગામે સ્વીકાર્યો અને આજુબાજુના ગામના લોકોએ સ્વીકાર્યો હતો જેથી મને એવું થયું કે હું મારા ગામનો ઉપયોગી થાવ.
વધુમાં જણાવ્યું કે, ખેરાલુમાં વિકાસ થયો નથી. ખેરાલુ પંથકમાં ઉદ્યોગ જ નથી, રોજગારી માટે આજુબાજુ ગામના લોકોને બહાર જવું પડે છે. ગામના લોકો અહિંજ નોકરી કરી શકે એવો કોઈ ઉદ્યોગ જ નથી. તેમજ રોડ રસ્તાની સમસ્યા, પાણી, ગટરની સમસ્યા પણ છે. બેથી ત્રણ દિવસે પાણી આવતું હોય છે, ગટર લાઈનની પણ મોટી સમસ્યા છે.
જિજ્ઞેશ કવિરાજે જણાવ્યું કે, અન્ય તાલુકા પ્રમાણે ખેરાલુનો કોઈ વિકાસ થયો નથી. ચૂંટણી લડવી તે મારો વિષય જ નથી મારો વિષય ગાવાનો છે. પણ ખેરાલુના ચાહકો અગ્રણીઓએ મને ચૂંટણી લડવા માટે કહ્યું હતું. જેથી મે ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે. મારા ગામ માટે મારા વતન માટે હું કઈક કરવા માગું છું. મને ખુબ વિશ્વાસ છે ખેરાલુ પર. લોકોનો મને ખુબ પ્રેમ મળ્યો છે અને આશીર્વાદ મળ્યા છે, તેમજ હજું પણ આવો જ પ્રેમ અને આશીર્વાદ મળશે.
જિજ્ઞેશ કવિરાજે કહ્યું કે, હાલમાં અનેક પાર્ટીઓ સક્રિય થઈ છે. સૌ પોતાની રીતે મેહનત કરી રહી છે. ત્યારે મે અપક્ષ તરફથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું છે હું કોઈ પક્ષનો નથી. તેમજ હજુ સુધી કોઈ પાર્ટ તરફથી મને ઓફર આવી નથી, પરંતું જો કોઈ પાર્ટીની ઓફર આવશે તો હું તે વીશે વીચારીશ. મારા ગામનું સારું થશે અને મારી વિચાર ધારા પ્રમાણે હશે તો હું જરૂર તે વિશે વીચારીશ. પરંતું હાલ તો હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી અને જોડાઇ પણ નહીં.